રાજકોટ ફૂડ વિભાગે જુદી જુદી ૩૭ દુકાનમાં ચેકિંગ કરીને નોટીસ ફટકારી
રાજકોટ, રાજકોટ સિટીમાં તહેવાર દરમિયાન ખાદ્ય સામગ્રીમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું હોવાના રીપોર્ટ તંત્રને મળ્યા હતા. જેને લઈને ફૂડ વિભાગે જુદી જુદી ૩૭ દુકાનમાં ચેકિંગ કરીને નોટીસ ફટકારવા સુધીની કામગીરી કરી છે. આરોગ્ય વિભાગની ટીમે જુદા જુદા વિસ્તારમાં રહેલી ખાણી-પીણી દુકાન તથા લારીઓ પર ચેકિંગ કર્યું હતું. ખાસ કરીને આજી ડેમ, પ્રદ્યુમન પાર્ક વિસ્તારમાં ઊભા રહેતા રેંકડીવાળા તથા દુકાનમાં ચેકિંગ શરૂ કરાયું છે.
પેકેજ્ડ ફૂડ તથા ઠંડા પીણાનો વેપાર કરતા ૩૭ વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી એક્સપાયરી ડેટ વગરની ૨૦૦ મિલીની કુલ ૪૦૮ બોટલ, ૯ કિલો કલરવાળા વાસી બટેટા તથા અન્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. પ્રદ્યુમન પાર્કમાં આવેલી કેન્ટીન શિવધારા ફુડ ઝોન-જલારામ કેટરીંગને નોટીસ ફટકારવામાં આવી છે.
બે દિવસ પહેલા ગોવિંદબાગ શાક માર્કેટ રોડ પર આવેલા વીર બાલાજી ફરસાણમાં તપાસ કરતા તપાસ કરતા ૧૦ કિલો વોશિંગ સોડા મળી આવ્યો હતો. આ ઉપરાંત વાસી પાપડી, સક્કરપારા, પેંડા, મોહનથાળ, મોતીચૂર લાડુ સહિત ૩૭ કિલો અખાદ્ય મીઠાઈનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે ભગવતી ફરસાણમાંથી ૧૦ કિલો વોશિંગ સોડા મળતા ૬૭ કિલો પાપડી, તીખા ગાંઠિયા, સુકી કચોરી, સમોસા, માવો સહિતની અખાદ્ય ફરસાણનો નાશ કરાયો છે. આ ઉપરાંત રેકડી લઈને ઊભા રહેતા ઠંડા પીણાવાળાને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. દૂધમાં ભેળસેળ મુદ્દે ૨૮ નમૂનાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
પણ એનો કોઈ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. તહેવારના દિવસોમાં ઠંડા એસન્સવાળા પીણા, ઘાટા કલરની આઈસ્ક્રિમ કે મીઠાઈ તથા ફરસાણનો ઉપયોગ ન કરવા માટે તંત્રએ અપીલ કરી છે. ચામુંડા લચ્છી-આજી ડેમ પાસેથી ૨૫ એક્સપાયરી તથા ડેટ વગરની ઠંડા પીણાની બોટલ મળી છે. જ્યારે સમીર સોડા-આજી ડેમની ૩૦ બોટલનો નાશ કરવામાં આવ્યો છે.
એવન પાણીપુરી પ્રધ્યુમન પાર્ક પાસેથી વાસી ૨ કિ.ગ્રા.બટેકાનો નાશ કરવામાં આવ્યો છે. આજી ડેમ અને પ્રદ્યુમન પાર્ક વિસ્તારમાંથી મોટા ભાગની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. વહાણવટી નાસ્તામાંથી એક્સપાયરી તથા વગરની ૨૦૦ મિલી ૧૮ બોટલનો નાશ કરવામાં આવ્યો છે. દૂધમાં ભેળસેળનો ઘટસ્ફોટ થયા બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે સક્રિય થયું છે. જેમાં ખાદ્ય પદાર્થોની વસ્તુઓનું ઊંડાણ પૂર્વક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં મિક્સોલોજીસ્ટની જાણે માર્કેટ ખૂલી હોય એવું ચિત્ર છે.HS