રાજકોટ ભગવાનના હીરાજડિત વસ્ત્રો બનાવવાનું હબ બન્યું
રાજકોટ, તાજેતરમાં તુલસીવિવાહની ઉજવણી જગત જમાદારના દ્વારકાધીશ મંદિરે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તુલસી વિવાહના બીજા દિવસે મંદિરમાં જાન જમાડવા માટે ખાસ છપ્પનભોગ ધરવામાં આવે છે. આ છપ્પનભોગના દિવસે ભગવાન દ્વારકાધીશે અમેરિકન ડાયમંડથી બનેલા વસ્ત્રો ધારણ કર્યા હતા, જે ખાસ રાજકોટમાં બનાવવામાં આવ્યા છે.
આ વસ્ત્રોમાં કુલ ૩ હજાર અમેરિકન ડાયમંડનો ઉપયોગ થયો છે. આ વસ્ત્રો બનાવતા કુલ ચાર માસનો સમય લાગ્યો છે. સામાન્ય રીતે ભગવાન દ્વારકાધીશજીના વસ્ત્રો દ્વારકામાં જ બનતા હોય છે, પરંતુ પહેલીવાર રાજકોટમાં અમેરિકન ડાયમંડથી બનેલા વસ્ત્રો તૈયાર થયા છે. આ વસ્ત્રોની વિશેષતા એ છે કે તે સંપૂર્ણ પણે હાથ બનાવટથી બનાવવામાં આવ્યા છે.
જેમાં કોઇ મશીનનો ઉપયોગ થયો નથી. વસ્ત્રો બનાવનાર સોની વેપારી કિરીટભાઇ પાટડિયાએ જણાવ્યું કે, સુરવાલ, બાજુબંધ, ઉપવસ્ત્ર- ખેસ, પીઠિકાજી, ગળાનો હાર, પીછવાઈ, મોજડી, હાથના કડા અને પગના ઝાંઝર વગેરે બનાવાયા છે.
તુલસીવિવાહ બાદ છપ્પન ભોગ પણ ધરવામાં આવ્યો હતો અને સાથે વસ્ત્રો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. વસ્ત્રોની ડિઝાઈન સંપૂર્ણ પણે મૌલિક રીતે તૈયાર કરાઈ છે. દેશ-દુનિયાના મંદિર અંબાજી, હવેલી, સોમનાથ સહિતના મંદિરોના સુશોભન-વસ્ત્રો, આભૂષણો, શણગાર વગેરે અહીં રાજકોટ બને છે.
અહીંના કારીગરો અને સોની વેપારીઓ ડિઝાઈનથી લઈને નકશીકામ જે કરે છે તે બેનમૂન અને ઉત્તમ હોય છે. દેશ- દુનિયામાંથી ભક્તો તરફથી સોના- ચાંદીના દાગીના ઉપરાંત ભગવાનના આભૂષણો- વસ્ત્રો વગેરે બનાવવા માટે ખાસ ઓર્ડર આપે છે.
તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગોપીનાથજી-રાધાજીના સોના-ચાંદીમાંથી બનાવેલા વસ્ત્રો દીપાવલી નૂતન વર્ષના તહેવાર નિમિત્તે ભેટ ધરવામાં આવ્યા હતા. જે પણ રાજકોટમાં બન્યા હતા. આ માટે ૧૦ કિલો ચાંદી અને સોનાનો ઉપયોગ થયો હતો.SSS