રાજકોટ ભાજપના ધારાસભ્ય અઠવાડિયા પછી પૂરગ્રસ્તોની મુલાકાતે આવતા મહિલાઓએ ઊધડો લીધો
રાજકોટ, રાજકોટ જિલ્લામાં એક અઠવાડિયા પહેલાં ભારે વરસાદને કારણે ગામડાના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રહી રહીને રાજકોટ ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય લાખા સાગઠિયા કોટડાસાંગાણી અને લોધિકાના ગામડામાં પૂરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અઠવાડિયા બાદ મુલાકાતે આવતાં મહિલાઓએ તેમનો ઊધડો લીધો હતો. લોકોએ લાખા સાગઠિયાને જણાવ્યું હતું કે આજે દસ-દસ દિવસે પાણી આવ્યું નથી, ઢોર પાણી પીવે એવું ડોહળું પાણી પીવાની નોબત આવી છે. આ પાણી પીવાથી લોકો માંદા પડી રહ્યા છે.
ચોરા ગામના લોકોએ લાખા સાગઠિયાને ઉધડા લીધા હતા અને જણાવ્યું હતું કે, અત્યાર સુધી તમે ક્યાં ગાયબ હતા. દસ દસ દિવસથી પીવાનું પાણી નથી અને વીજપોલો ધરાશાયી થતા વાડીઓમાં હજી સુધી લાઇટ આપવામાં આવી નથી. અમારે ઢોરને પાણી પીવા માટે પરેશાની ભોગવવી પડી રહી છે. પહેલા લાઇટ અપાવો જેથી અમે પીવાના પાણીની વ્યવસ્થા કરાવી આપીએ. જ્યોતિગ્રામની યોજના હોવા છતાં ગામ ૧૦ દિવસ લાઇટ વિના જીવી રહ્યું છે.
ભાજપના આગેવાને જણાવ્યું કે તમારે ધારાસભ્યને ફોન કરવો જાેઇએ. ત્યારે ગામના લોકોએ જણાવ્યું કે, સરપંચથી માંડી બધાને ખબર જ છે કે, ગામની આ હાલત છે. નમી ગયેલા થાંભલા ખાલી ઉભા કરી દ્યો તો લાઇટ આવી જાય. પણ આજે ૧૦ દિવસે પણ તે કામ થયું નથી.
વાડી પહેલા ગામમાં લાઇટની વ્યવસ્થા કરાવો. ત્યારે લાખા સાગઠિયાએ જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ જ છે
આ અંગે લાખા સાગઠિયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારે વરસાદને પગલે લોધિકા અને કોટડાસાંગાણી તાલુકાના ગામડાઓમાં ભારે નુકસાન થયું છે.
આ વિસ્તારોમાં રોજ અલગ અલગ ગામોની મુલાકાતે હું જાવ છું. મુલાકાત દરમિયાન સ્થાનિક લોકો મને રજુઆત કરવા આવ્યા હતા. લોકોએ કોઝ-વે, વાડીએ જવાના રસ્તા તૂટી ગયાની રજુઆત કરી હતી. તેમજ ખેતરોમાં મોટાપાયે ધોવાણ થયું હોવાનું જણાવ્યું હતું. આ માટે મુખ્યમંત્રીએ જ સર્વે કરવા સૂચના આપી છે. જે માટે ૬ ટીમ દ્વારા સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. આગામી ૮થી ૧૦ દિવસમાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવશે અને લોકોની સમસ્યા જલ્દીથી પૂરી કરવા અધિકારીઓને સૂચના આપી છે.HS