રાજકોટ: મિત્રો સાથેની અંદોર-અંદર મશ્કરી બની મોતનું કારણ
રાજકોટ, રાજકોટમાં મિત્રો સાથેની અંદરો-અંદરની મશ્કરી મોતનું કારણ બની છે. શહેરના કોઠારીયા રોડ પાસે સાતેક મિત્રો બેસીને મશ્કરી કરતા હતા ત્યારે મશ્કરી કરવાની અને ગાળો આપવાની ના પાડતાં મિત્રના હાથે જ મિત્રની હત્યા થઈ છે. યુવક પર છરીનાં બે ઘા ઝીંકી આંતરડા કાઢી નાખતા ઘવાયેલા યુવકને સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસની ટીમ હોસ્પિટલે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના વાવડી આંગન રેસીડેન્સી બી-201માં રહેતો રાહુલભારથી સુરેશભારથી ગૌસ્વામી (ઉ.24) નામના યુવકને તેના જ મિત્રો જયુ મઢ, દિવુ જાડેજા, દેવો જાડેજા અને દિવ્યેશ લાવડીયાએ ગાળો બોલવા મામલે છરીના બે ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી પતાવી દીધો હતો. આ અંગે મૃતકના પિતાએ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે રાત્રીનાં સમયે પોતાની દુકાને હતા. ત્યારે ભાણેજનાં દિકરા ચિન્ટુ ભીમજીભાઈ ગૌસ્વામીનો ફોન આવ્યો કે, તમારા પુત્ર રાહુલ ભારથીને છરી મારી દીધેલ છે. તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. જેથી મૃતકના પિતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. નોંધનીય છે કે, રાહુલ ભારથી ત્રણ બહેનમાં સૌથી નાનો અને એકનો એક પુત્ર હતો.
મળતી વિગતો અનુસાર રાહુલ ભારથીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા દેવો જાડેજા, દિવ્યેશ લાવડીયાએ રાહુલને પકડી રાખ્યો અને દેવુ જાડેજાએ પોતાના નેફામાંથી છરી કાઢી જયુ મઢને આપતા તેમણે રાહુલ ભારથીને પેટનાં ડાબા ભાગે છરીના બે ઘા ઝીંકી દેતાં દેકારો કરતાં ત્યાં માણસો ભેગા થયા હતા ત્યાં આરોપી નાસી છૂટ્યા હતા. આ મામલે ચારેય આરોપી વિરુધ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આજી ડેમ પોલીસે ચારેય શખ્સોને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.