રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ આજથી રાત્રિ કર્ફ્યુ
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાઇ: હોસ્પિટલોમાં બેડ ખાલી નહીં હોવાની માત્ર અફવા: નીતિન પટેલ
ગાંધીનગર, અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના ના કેસો ચિંતાજનક રીતે વધતા રાજ્યસરકાર હરકતમાં આવી ગઇ છે દિવાળીઓની રજાઓમાં નાગરીકોએ સરકારની ગાઇડલાઇનનું પાલન નહીં કરતા આ પરીસ્તીથી સર્જાઇ છે. આજે ગુજરાતમાં કોરોનાનો આંકડો ૧૪૦૦ને પાર કરી જતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં હાઇલેવલની બેઠક યોજાઇ હતી અને તેમાં કોરોના કાબુમાં લેવા માટે મહત્વપૂર્ણ ચર્ચા થઇ હતી આ બેઠકમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ આવતીકાલ શનિવારથી રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો નિર્ણય કરાયો છે.
આ ઉપરાંત ગાઇડલાઇનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે અમદાવાદ શહેરમાં આજે રાત્રે ૯ વાગ્યાથી કફ્ર્યુનો અમલ શરૂ થઇ ગયો છે જે સોમવારે સવારે ૬ વાગે ખુલશે. આ દરમ્યાનમાં બહારગામથી આવતા લોકોને રાહત આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં કર્ફ્યુ દરમ્યાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે જાેકે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે અમદાવાદમાં કર્ફ્યુનો કડક અમલ કરવામાં આવશે.
અમદાવાદમાં કર્ફ્યુ અને રાજ્યની કોરોનાની સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પેટેલે માહિતી આપી હતી કે, સીએમની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. નીતિન પટેલે જણાવ્યું હતુ કે આવતીકાલ શનિવારથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના ૯થી સવારના ૬ સુધી કર્ફ્યૂનો ર્નિણય લેવામાં આવ્યો છે. નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. અમદાવાદમાં આજથી ૯ વાગ્યાથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. તેની ચર્ચા કરવામાં આવી હતી. હોસ્પિટલમાં બેડો ખાલી નથી તે વાત ખોટી છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલા તરીકે સાવચેતીના ભાગરૂપે કોઇ મોટી સંખ્યામાં આ ત્રણેય શહેરોમાં કેસનો વધારો ન થયો હોવા છતાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગઇકાલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૩૪૦ હતી. તે આજે ૧૪૨૦ થઇ છે. મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. મહદઅંશે કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યાં છીએ.
તેમણે જણાવ્યુ હતુ કે અમદાવાદમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ૯૭૧ દર્દી દાખલ છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં હજુ ૬૦ બેડ ખાલી છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં નવા ૧૨૦ બેડ ઉમેરાશે. સોલામાં હાલ ૪૦૦ આઇસોલેશન વોર્ડ અને ૫૦ બેડ છે. સોલા સિવિલમાં કોરોનાના સામાન્ય ૨૭૦ દર્દી સારવાર હેઠળ છે. ગાંધિનગર સિવિલમાં પણ ૨૩૦ નોન ક્રિટિકલ દર્દી સારવાર હેઠળ છે.
અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કર્ફ્યુ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.
અમદાવાદમાં ૧૧૨ દિવસ પછી ૨૦મી તારીખથી રાતે ૯ વાગ્યાથી તા. ૨૩મીને સોમવારે સવારે ૬ વાગ્યા સુધી ૫૭ કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારપછી સોમવારથી રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રોજ કર્ફ્યુ ચાલુ રહેશે. આ દરમિયાન માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે. અગાઉ અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તાએ સાંજે ૫ઃ૩૦ વાગ્યે રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી અને રાત્રે ૧૦ વાગ્યે ૫૭ કલાકના કર્ફ્યુની જાહેરાત કરી હતી.