Western Times News

Gujarati News

રાજકોટ : શ્રમિક બાળકી ઉપર દુષ્કર્મ કરનારાની ધરપકડ

અમદાવાદ: રાજકોટના ૮૦ ફૂટ રોડ ઉપર બાબરાના શ્રમિક પરિવારની આઠ વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજારનાર નરાધમ આરોપી રદવ મશરૂ માંગરોળિયાની રાજકોટ પોલીસે ઘટનાના ૨૪ કલાકમાં જ ધરપકડ કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસે સીસીટીવીની મદદથી રાજકોટના ભારતનગર શેરી નં.૮માં રહેતો આરોપી હરદેવ મશરૂ માંગરોળિયાને ઝડપી પાડ્‌યો હતો. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, હરદેવે દારૂના નશામાં હોંશ ખોઇ આ ગુનાને અંજામ આપ્યો હતો. જે પુલ નીચે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું ત્યાં જ આરોપી અન્ય શખ્સો સાથે દારૂ પીતો હતો. હરદેવ નજીકની ફેક્ટરીમાં મજૂરીકામ કરતો હતો. આરોપી અગાઉ કોઇ ગુનામાં સંડોવાયેલો નથી. આરોપી હરદેવ દારૂ અને ચરસનો બંધાણી હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

પોલીસે આરોપીની વિરૂધ્ધમાં આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(એ)(બી), ૫૦૬(૨) પોક્સો કલમ ૪, ૬ અને જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું કે, આરોપીની પરમ દિવસે જ અટકાયત કરી હતી. પરંતુ તે ગુનો કબૂલી રહ્યો નહોતો. આથી ફોરેન્સિક ટીમ બોલાવી હતી અને બ્લડના સેમ્પલ લઇ રિપોર્ટ કરાતા આરોપીએ ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ પહેરેલા કપડા પરથી ઘણા પુરાવા મળ્યા છે. આરોપીને ઝડપવા માટે પોલીસે અલગ અલગ ૧૦ ટીમો બનાવી હતી.

નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સઘન બનાવવામાં આવશે. પીસીઆરમાં કામ કરતા સ્ટાફ બે શિફ્‌ટમાં કામ કરશે. પીસીઆર દ્વારા ફક્ત પેટ્રોલીંગ જ કરવામાં આવશે. આરોપીની ધરપકડ માટે ડી.સી.બી., એસઓજી અને સબ ઇન્સ્પેક્ટરની અલગ અલગ ૧૦ ટીમો બનાવી બનાવની બાજુની જગ્યાના સીસીટીવી ફૂટેજ તથા આઇવે પ્રોજેક્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી હતી. બનાવની જગ્યાની આજુબાજુમાં ઝુપડા બાંધી તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા શંકાસ્પદ ૨૦ જેટલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી હતી. વનસ્ટોપ સેન્ટરનું કાઉન્સિલ કરાવી ભોગ બનનાર બાળકીની માહિતી મેળવવામાં આવી હતી. એફએસએલ અને ડોગ સ્કોડની મદદ મેળવી જરૂરી પૂરાવા મેળવવામાં આવ્યા હતા.

હરદેવના કપડા પરના લોહી, વીર્યના ડાઘને કારણે પણ પુરાવો મજબૂત બન્યો હતો. આ શખ્સ શુક્રવારે રાતે ચિક્કાર નશાની હાલતમાં હતો. બાળાને તેના પરિવારજનો સાથે સુતેલી જોઇને ઉઠાવવા માટે ત્યાં ગયો હતો. પરંતુ કૂતરા ભસતાં અને પાછળ દોડતાં તે ભાગી ગયો હતો. એ પછી રાતે ફરીથી પહોંચ્યો હતો. સુતેલી બાળાને તેના જ ગોદડા સમેત ઉઠાવી ગોદડાથી જ મોઢે મુંગો દઇ નજીકના નાળામાં લઇ ગયો હતો અને ત્યાં છરી બતાવી બાળા સાથે મોબાઇલ ફોનની ટોર્ચ લાઇટથી અંજવાળુ કરી દુષ્કર્મ આચર્યુ હતું.

બાળા આ હેવાનિયતને કારણે લોહીલુહાણ થઇ ગયા પછી તે કપડા પહેરી હમણા આવું તેમ કહીને બાળાને ત્યાં જ મુકી ભાગી ગયો હતો. હરદેવે કબૂલ્યા મુજબ જ્યાં દૂષ્કર્મ આચર્યુ એ સ્થળથી થોડે જ દૂર રેતીના ઢગલા પર જઇ સુઇ ગયો હતો. પોલીસે પંદર-વીસ જેટલા શકમંદોને ઉઠાવ્યા હતાં. જેમાં આ હવસખોર પણ હાથમાં આવી ગયો હતો. પોલીસે રાતે જ હવસખોર હરદેવને ઘટના સ્થળે લઇ જઇ પૂછતાછ કરતાં તેણે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરી બતાવ્યું હતું. હરદેવ કુંવારો છે અને તેના ભાઇ-ભાભી સાથે રહી કારખાના-ભઠ્ઠીમાં મજૂરી કરે છે. હરદેવને રાત્રે જ ઝડપી લઇ ઓળખ પરેડ કરાવતા બાળાએ ઓળખી બતાવ્યો હતો. દરમ્યાન રાજકોટ બાર એસોસીએશને આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મના બનાવને આકરા શબ્દોમાં વખોડી કાઢી આ કેસના આરોપી વતી કોઈ પણ એડવોકેટે આરોપીનો કેસ ન લડવો તેઓ સર્ક્યુલર ઠરાવ જાહેર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.