રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૫ મહિનાની બાળકીનું કોરોનાથી મોત, તંત્ર થયું દોડતું
રાજકોટ, રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમણ ખૂબ વધ્યું હતું. બીજી લહેરમાં યુવાનોમાં સંક્રમણ વધુ ફેલાયુ હતું. પણ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીના કારણે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઓછું થયું છે. હાલ રાજ્યમાં નહીંવત કેસ સામે આવી રહ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં કોરોનાનો એક પણ એક્ટીવ કેસ નથી. ત્યારે રાજ્ય સરકારે લોકોને આપવામાં આવતી છૂટછાટમાં પણ વધારો કર્યો છે. તો ત્રીજી લહેરની આશંકાને લઇને લોકોને નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. ત્યારે રાજકોટમાં કોરોનાના કારણે એક ૫ મહિનાની બાળકીનું મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું છે.
રિપોર્ટ અનુસાર રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા એક પરિવારની ૫ મહિનાની બાળકી બે દિવસ પહેલા એટલે કે ૧૯ ઓગસ્ટના રોજ કોરોના સંક્રમિત હોવાની માહિતી પરિવારના સભ્યોને મળતા બાળકીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બે દિવસથી આ બાળકીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. આજે વહેલી સવારે ૫ઃ૩૦ કલાકે બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સમગ્ર મામલો સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડેન્ટના ધ્યાનમાં આવતા તેમને તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે. ૫ મહિનાની બાળકીનું કોરોનાથી મોત થયું હોવાના કરને શહેરના લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. મહત્ત્વની વાત છે કે, બાળકી અને તેની માતા છેલ્લા ૫ મહિનાથી ધોરાજીમાં રહેતા હતા. બાળકીને ધોરાજીથી ચેપ લાગ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બાળકીનું મોત થયું હોવાના કારણે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બાળકીના પરિવારના સભ્યોનો આરટી પીસીઆર ટેસ્ટ કર્યો છે. આ ઘટનાને લઇને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, શહેરમાં ફરીથી ડોર-ટૂ-ડોર સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં અવશે. જે બાળકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોય તેનો તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવવા માટે પણ તેમને લોકોને સુચન કર્યું છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, ૫ ,મહિનાની બાળકીનું મોત થયું છે તે કોઠારીયા રોડની છે. મહાનગરપાલિકા સિવિલ હોસ્પિટલની સાથે સતત સંપર્કમાં છે. બાળકીના પરિવારના સભ્યોનો કોન્ટેક્ટ ટ્રેસિંગ અને તેની આજુબાજુના લોકો અને વિસ્તારનો સરવે અને નાના બાળકોનો સરવે કરવામાં આવશે. સાથે જ બાળકીના પરિવારના સભ્યોની આજુબાજુમાં રહેતા લોકોના વેક્સીનેશનની પણ ચકાસણી કરવામાં આવશે.મહત્ત્વની વાત છે કે, ૫ મહિનાની બાળકીનું મોત થયું હોવાના કારણે રાજકોટ સિવિલના કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા ત્રણ શંકાસ્પદ બાળકોનો પણ આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે.HS