રાજકોટ: CNG કીટમાંથી ગેસની જગ્યાથી દારૂ નીકળ્યો
રાજકોટ, ન્યૂ યર પાર્ટી યોજાવાને હવે ૨૦ દિવસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ચાલુ વર્ષે જે રીતે ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે તેને જાેતા આ વર્ષે ગત વર્ષની જેમ ન્યૂ યર પાર્ટીના મોટી સંખ્યામાં આયોજનો થઈ શકે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. બીજી તરફ ન્યૂ યર પાર્ટી યોજાઈ તે પૂર્વે જ બૂટલેગરો મેદાનમાં આવી ગયા છે. છેલ્લા ૧૫ દિવસમાં રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા એક કરોડથી વધુનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરે જે રીતે અપનાવી હતી તેને જાેઈને ક્રાઇમ બ્રાંચની ટીમ પણ ચોંકી ઊઠી હતી.
તપાસ કરતા ક્રાઇમ બ્રાંચની ટીમને માલુમ પડ્યું હતું કે આરોપીએ કારના ગેસના બાટલાને કાપીને તેમાં ચોરખાનું બનાવ્યું હતું. આ ચોરખાનામાં તે અંગ્રેજી દારૂની બોટલો મૂકીને હેરાફેરી કરતો હતો. પ્રથમ નજરે જાે કોઈ પોલીસકર્મી કારની તલાશી લે તો તેને દારૂ વિશે ગંધ પણ ન આવે. પરંતુ ક્રાઇમ બ્રાંચે બુટલેગરના આ કીમિયાને પકડી પાડ્યો હતો.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું કે, અમારા પીએસઆઇ એમવી રબારી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, નૂરમહમદ જુસબ સમાં નામનો વ્યક્તિ પ્રોહિબિશનના ધંધા સાથે સંકળાયેલો છે. તે પોતાની પાસે રહેલી કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યો છે. તેણે પોતાની કારમાં પાછળના ભાગે પ્રથમ દ્રષ્ટિએ ગેસ કીટ લાગે તે પ્રકારનું એક ખાનું બનાવ્યું છે. જે ખાનામાં તે વિદેશી દારૂ તેમજ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, કુવાડવા રોડ પર નૂરમહમ્મદ કાર સાથે નીકળતા ક્રાઇમ બ્રાન્ચે તેની કાર રોકી હતી. કારની તલાશી લેતા તેમાં બનાવવામાં આવેલા ખાનામાંથી અલગ અલગ બ્રાંડની ૩૦ નંગ બોટલ મળી હતી. આ ઉપરાંત અન્ય એક બ્રાન્ડની છ નંગ બોટલ મળી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂની બોટલ સહિત કુલ ૨.૫૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઇ રબારી અને તેની ટીમે શાકભાજીના કેરેટની આડમાં છૂપાવવામાં આવેલો લાખો રૂપિયાનો દારૂ કબજે કર્યો હતો.SSS