Western Times News

Gujarati News

રાજકોટ TRP કાંડમાં 15 હજાર ચો.મી.ની. આ જગ્યામાં શરતભંગ થયાનું ખુલતાં કલેકટર તંત્ર એકશનમાં

બિનખેતીની તમામ જમીનના સર્વે માટેની કામગીરી મામલતદારો દ્વારા શરૂ

રાજકોટ, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ર૭ વ્યકિતઓના મોત થતા રાજકોટ સહીત દેશભરમાં હાહાકાર મચી જવા પામેલ છે. આ અગ્નિકાંડના પગલે રાજય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ધડાધડ પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવેલ છે.

આ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડથી જમીનમાં શરતભંગ થયાનું ખુલતા કલેકટર તંત્ર એકશન મોડમાં આવી જવા પામેલ છે. આ ગેમઝોનની જમીનના ત્રણ ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાને શરતભંગના મામલે નોટીસ ફટકારવામાં આવી છે. અગાઉ આ જમીન ર૦૧૬માં રીવાઈઈઝ થઈ ત્યારે શરતભંગનો કેસ ચાલી જવા પામ્યો હતો.

૧પ૦૦૦ ચો.મી.ની. આ જગ્યામાં શરતભંગ થયાનો મામલો સામે આવ્યો છે. કલેકટર તંત્ર આ કિસ્સામાં ૩.પ૦ લાખથી ૪ લાખ સુધીની દંડ કરી શકે છે. ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ આ જમીનમાં શરતભંગ થયાનું ખુલતા કલેકટર તંત્ર દ્વારા રાજકોટ શહેર અને જીલ્લામાં બીનખેતી થયેલી તમામ જમીનનો સર્વે કરવાનો આદેશ આપી દેવામં આવ્યો છે. જેના પગલે જીલ્લાના તમામ મામલતદારો દ્વારા આ અંગેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે.

ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બન્યો હતો તે જગ્યા નાના મવાના સર્વે નંબરમાં આવેલી હોવાથી આ જગ્યા રહેણાંકના હેતુ માટે બીનખેતી કરાયાનું પશ્ચિમ મામલતદાર દ્વારા કરાયેલી તપાસમાં ખુલ્યા બાદ આ જગ્યાનો હેતુ ફેર કરાવ્યા વગર જ કોમર્શીયલ ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. જેના પગલે કલેકટર દ્વારા આ મામલે આ જમીનના ત્રણ ભાગીદારોને નોટીસ ફટકારી ખુલાસો પુછવામાં આવ્યો છે.

તેની સાથોસાથ જીલ્લા કલેકટર પ્રભવજોશી દ્વારા રાજકોટ શહેર જીલ્લાના બીનખેતી થયેલા પ્લોટનો સર્વે કરી તેનો કયા હેતુ માટે હાલ ઉપયોગ કરવામાં આવે છે. જો કોમર્શીયલ ઉપયોગ કરાતો હોય તો તેની મંજુરી લેવામાં આવી છે કે કેમ ? શરતભંગ થયો છે કે કેમ ? સહીતના મામલે સર્વે કરી રીપોર્ટ આપવા માટે કલેકટર દ્વારા જીલ્લાના તમામ મામલતદારોને આદેશ કરાતા મામલતદારો દ્વારા આ અંગે આજથી બીનખેતી થયેલા પ્લોટોની સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.