રાજદ નેતા લાલુ દોષી હોસ્પિટલ જવાની માગ રદ, જેલમાં મોકલાયા

પટના, ચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની સામે પાંચ કેસો કોર્ટમાં ચાલી રહ્યા હતા જેમાં ચારનો અગાઉ નિકાલ આવી ગયો હતો, જ્યારે અંતિમ અને પાંચમા કેસમાં કોર્ટે લાલુને દોષી ઠેરવ્યા છે. ૭૩ વર્ષીય આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવે બિમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની અપીલ કરી હતી, જેને સીબીઆઇ કોર્ટે ફગાવી દીધી છે. તેથી લાલુને હવે રાંચીની બિરસા મંૂડા જેલમાં રાખવામાં આવશે.
આ ચારા કૌભાંડ ૧૯૯૦થી ૧૯૯૫ દરમિયાન આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેમાં સરકારી કોષાગારમાંથી ૧૩૯ કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું સાબિત થયું હતું. આશરે ૨૭ વર્ષ બાદ કોર્ટે આ કેસમાં સુનાવણી પૂર્ણ કરીને લાલુ પ્રસાદ યાદવને દોષી ઠેરવ્યા છે. ચારા કૌભાંડમાં આ કેસ સૌથી મોટો માનવામાં આવે છે.
કોર્ટમાં જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે લાલુ પ્રસાદ યાદવ પણ હાજર રહ્યા હતા. દોષી ઠેરવ્યા બાદ લાલુને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. કોર્ટ હવે આ કેસમાં લાલુ પ્રસાદને આગામી ૨૧મી ફેબુ્રઆરીએ સજા કરશે. આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ ઉપરાંત પૂર્વ સાંસદ જગદીશ શર્મા, તે સમયના પીએસી ચેરમેન ધુ્રવ ભગત, પશુ મંત્રાલયના સચીવ બેક જુલીયસ, અસિસ્ટન્ટ ડાયરેક્ટર ડો. કે એમ પ્રસાદ પણ મુખ્ય આરોપી હતા.
ચુકાદા અંગે વાત કરતા સુશીલ મોદીએ કહ્યું હતું કે ચારા કૌભાંડમાં આ સૌથી મોટો કેસ હતો, લાલુ પ્રસાદ યાદવ આરોપોથી ભાગી રહ્યા હતા પણ અમે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી. આ કેસમાં કુલ ૧૭૦ આરોપીઓ હતા, જેમાં ૫૫ના મોત નિપજ્યા છે. જ્યારે સાત આરોપીઓને સીબીઆઇએ આ કેસના સાક્ષી બનાવ્યા હતા.
કેટલાક આરોપીઓએ કોર્ટના ચુકાદા પહેલા જ પોતાને દોષી માની લીધા હતા. હાલ લાલુ સહિત કુલ ૯૯ આરોપીઓની સામે કેસ ચાલી રહ્યો હતો. જ્યારે લાલુ પ્રસાદ યાદવની સામે કુલ પાંચ કેસ ચાલી રહ્યા હતા તેમાં ચારમાં સજા મળી ચુકી છે. જુદા જુદા કોષાગાર સાથે આ કેસો સંકળાયેલા છે. જેમ કે હાલ જે ચુકાદો આવ્યો તે ડોરંડા કોષાગારનો છે.
જ્યારે અગાઉ ચાઇબાસામાંથી ૩૭.૭ કરોડની ઉચાપતમાં લાલુને પાંચ વર્ષની કેદ થઇ હતી, દેવઘર કોષાગારમાં ૭૯ લાખ ગેરકાયદે નિકાસ બદલ ત્રણ વર્ષની સજા થઇ હતી.
જ્યારે દુમકા કોષાગારમાં ૩.૧૩ કરોડના કૌભાંડમાં લાલુને બે અલગ અલગ કલમો હેઠળ ૭-૭ વર્ષની કેદ થઇ હતી. હાલ લાલુ પ્રસાદ યાદવ બધા કેસોમાં જામીન પર છુટયા હતા, જાેકે પાંચમાં કેસમાં તેમને દોષી ઠેરવતા ફરી જેલ લઇ જવાયા હતા.HS