રાજધાનીમાં રસ્તા વચ્ચે ગુનેગારોએ એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી

Files Photo
નવીદિલ્હી: દિલ્હીનાં માંગોલપુરીમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં રસ્તા વચ્ચે ગુનેગારોએ એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી છે. એટલું જ નહીં, પાછળથી આ વ્યક્તિ પર છરી વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો. આનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. મૃતકની ઓળખ ઝફર આઝાદ તરીકે થઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યા પરસ્પર દુશ્મનાવટનાં કારણે કરવામાં આવી હતી. સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસે ૨ આરોપીની ધરપકડ કરી છે. બાકીનાં આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આ ઘટના ૨૧ મેનાં રોજ માંગોલપુરી વિસ્તારની છે. ૩૦ વર્ષીય ઝફર આઝાદ તેની બાઇક પર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારબાદ હુમલો કરનારા ગુનેગારોએ બાઇક ચલાવી રહેલા ઝફરને ગોળી મારી દીધી હતી.
તે પછી બે બાજુએથી બે લોકોએ તેને છરી વડે મારવાનુ શરૂ કર્યુ હતુ. જેના કારણે ઘાયલ ઝફર બાઇક પરથી નીચે પડ્યો હતો. ગોળીઓનો અવાજ સાંભળીને નજીકમાં ઉભેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત ઝફરને લઈને પોલીસકર્મી હોસ્પિટલમાં પહોંચ્યા અને તેને દાખલ કરાવ્યો. પરંતુ ૩૦ મેનાં રોજ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
હવે આ કેસનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે, જેના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે આશુ નામનાં વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઝફરને આરોપી આશુ સાથે જૂની દુશ્મની હતી. એવો આરોપ છે કે ગયા વર્ષે જ ઝફરનાં ભાઈ નવાસાએ તેના સાથીઓ સાથે મળીને આશુનાં ભાઈની હત્યા કરી હતી. આ હત્યાનો બદલો લેવા માટે જ આશુએ ઝફરની હત્યા કરી હતી. પોલીસે આશુ સહિત ૨ આરોપીઓની ધરપકડ કરી છે. બાકીનાં આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.