રાજનાથ સિંહે સરકારી આવાસની સમય મર્યાદા વધારી 1 વર્ષની કરી
નવી દિલ્હી, ફરજ દરમિયાન શહીદ થનારા સેનાનો પરિવાર પોતાના સરકારી ઘરમા એક વર્ષ સુધી રહી શકે છે જેમા તેઓ પહેલેથી રહે છે. અત્યાર સુધી એવો કાયદો હતો કે, જવાનના મૃત્યુ નીપજ્યાને ત્રણ મહિના સુધીમા સરકાર તરફથી આપવામા આવેલ મકાન ખાલી કરવું પડતુ હતુ. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે સેનાના ત્રણેય અંગોમાં લાગુ થશે. રક્ષા મંત્રી તરફથી નિવેદન જાહેર કરવામા આવ્યુ તે મુજબ બેટલ કેઝ્યુલિટી પરિવાર માટે સરકારી આવાસમા રહેવાની સમય મર્યાદા ત્રણ મહિનાથી વધારીને એક વર્ષ સુધી કરવામા આવી છે. સશસ્ત્ર સેનાઓની જરૂરિયાત અને માગને ધ્યાનમા લઈને રક્ષા મંત્રાલયે વર્તમાન કાયદાઓની સમીક્ષા કરી અને બેટલ કેઝ્યુલિટી પરિવારને સરકારી આવાસમા રહેવાની સમય મર્યાદા વધારવાને લઈને ભલામણ કરવામા આવી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પરિવારો માટે ઓછા સમયમા ઘર શિફ્ટ કરવું મુશ્કેલીભર્યુ છે. સશસ્ત્ર સેનાઓની સાથે જોડાયેલા કોઈ પણ સૈનિક શત્રુ સેના સાથે લડતા કે કોઈ હવાઇ હુમલામા શહીદ થાય તો એના પરિવારના લોકોને સરકારી આવાસમા રહેવાની સમયમર્યાદા ત્રણ મહિનાની હતી. જે વધારીને એક વર્ષ સુધીની કરી દીધી છે. આ જાહેરાત રાજનાથ સિંહએ કરી હતી.