રાજપારડીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયા

ઘરોમાં ફસાયેલા લોકોને રેસક્યુ કરવામાં આવ્યા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે નદી,નાળા અને ખાડી છલકાયા છે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય ધોરીમાર્ગ પર બંધ થયો હતો.
ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરની શાસ્ત્રીનગર, રાજેશ્વરી સોસાયટી અને જયોતિનગર ગોકુલધામ સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા હતા. સોસાયટીના મકાનોમાં વૃદ્ધ અને બાળકો સહિત ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાજપારડીના ૧૫૦ જેટલા મકાનોમાં પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયા હતા.ઘરોમાં ફસાયેલા લોકોની મદદ માટે રાજપારડી ગ્રામ પંચાયતના સભ્યો અને તલાટી સહિત પોલીસની ટીમ તેમજ સ્થાનિક લોકો દોડી આવી લોકોની મદદમાં જોતરાયા હતા.જે લોકો રાજપારડીની સોસાયટીમાં ફસાયેલા હતા તે લોકોને પોલીસના જવાનો,રાજપારડી પંચાયતની ટીમ તેમજ સ્થાનિક યુવાન દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમ્યાન રાજપારડીની કોતરડીમાં ધસમસતુ વરસાદી પાણી વહે છે અને આ કોતરડીના પાણીના નિકાલ માટે નાળુ નાનુ હોઈ જેના પગલે સોસાયટીના નાગરીકોને દર ચોમાસામાં લાખોનુ નુકશાન વેઠવાનો વારો આવે છે.આ વખતે પણ સોસાયટીના નાગરિકોની અસંખ્ય બાઈકો વાહનોનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ હતી.
જેના કારણે એન્જીન સહિતના સ્પેપાર્ટસ બેકાર બનતા લોકોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.તંત્ર દ્વારા કોતરડીના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.