રાજપારડીની શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.અત્રે પાણિની પ્રજ્ઞા પરબ શાળા ખાતે સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ડીએફઓ ભાવનાબેન દેસાઈ અને ઝઘડીયા આરએફઓ મહિપાલસિંહ ગોહિલની સુચના
અને માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય,રાજપારડી વન વિભાગના ફોરેસ્ટર એચ.કે.કુલકર્ણી, કિરણભાઈ વસાવા તેમજ અરુણભાઇ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં બાળકોને વન્ય પ્રાણીઓ સંબંધિત જાણકારી આપવામાં આવી હતી.તેમજ વન્ય પ્રાણીઓ આપણને વિવિધ રીતે ઉપયોગી થાય છે તેની વિસ્તૃત માહિતિ આપવામાં આવી હતી.રાજપારડી ફોરેસ્ટર કુલકર્ણીએ આ પ્રસંગે જણાવ્યુંકે વન વિભાગ દ્વારા ગાંધી જયંતીના દિવસથી એક સપ્તાહ સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.
જે મુજબ તા.૨ ઓકટોબરથી લઈને ૮ મી ઓકટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ યોજાશે.વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાનાર કાર્યક્રમોમાં બાળકો માટે વન્ય પ્રાણીઓને કેન્દ્રમાં રાખીને વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે.જેમાં વક્તૃત્વ સ્પર્ધા,નિબંધ લેખન સ્પર્ધા જેવા વિષયોને આવરી લેવામાં આવશે.
આજે ઔધોગિકરણના વ્યાપથી જંગલો નામશેષ થતા જાય છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે વન્ય વિસ્તારો અને વન્ય પ્રાણીઓના જતન માટે સહુએ આગળ આવવુ પડશે એવી લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી.
શાળાના બાળકોએ રસપૂર્વક કાર્યક્રમ માણ્યો હતો અને વન્ય પ્રાણીઓને લગતી જાણકારી મેળવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.