રાજપારડીમાં ચોરીના મોબાઈલ વેચાતા હોવાની આશંકા
ભરૂચ : ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના અગત્યના વેપારી મથક ગણાતા રાજપારડી નગરમાં વિવિધ ધંધાઓનો મોટો વિકાસ થયો છે.રાજપારડી ની આજુબાજુના ઘણા ગામડાઓની જનતા રોજ બરોજ રાજપારડી વિવિધ ધંધાકીય લેવડ દેવડ માટે આવે છે.આ પંથકની વસ્તી મહદઅંશે ગરીબ આદિવાસી પ્રજાની છે.ગરીબ જનતાના ભોળપણ નો લાભ લઇ તેમનું શોષણ થતું હોવાની બાબત નવી નથી.આજે મોબાઈલ નો વ્યાપ ખુબ મોટા પ્રમાણમાં વધી ગયો છે.
ઠેર ઠેર મોબાઈલ ની દુકાનો તેમજ રીપેર કરવાવાળાઓ પોતાનો ધંધો કરતા દેખાઈ રહ્યા છે.સામાન્ય રીતે મોબાઈલ ના ધંધા બાબતે ઘણા બધા નિયમો નું પાલન કરવાનું હોય છે.ઘણા ગ્રાહકો જુના મોબાઇલ પણ ખરીદતા હોય છે.ઘણીવાર ગ્રાહક ને કોઈ ચોરીનો મોબાઇલ વળગાડી દે અને સાયબર ક્રાઈમ ની તપાસમાં આ મોબાઈલ ચોરીનો હોવાનું બહાર આવે તો બિચારો ગરીબ માણસ નાહકનો ફસાઈ જતો હોય છે.જુના મોબાઈલ ની લેવડ દેવડ કરતા વેપારીઓએ આ બાબતે યોગ્ય નિયમો જાળવવા પડે.પણ આ બાબતે નિયમો જળવાતા નથી એવી ચર્ચાઓ લાંબા સમયથી જણાઈ રહી છે.
રાજપારડી માં પણ કેટલાક ઈસમો ગ્રાહકો ને ચોરીના મોબાઈલ પધરાવી દેતા હોવાની વાતો જન સમુદાય માંથી જાણવા મળી છે.સામાન્ય રીતે કેટલાક મોબાઈલ રીપેર કરનારા કારીગર વર્ગના વેપારીઓ પાસેથી ગ્રાહકો જુના મોબાઈલ ખરીદતા હોય છે.રાજપારડી નગરમાં પણ જુના મોબાઈલ ની લેવડદેવડ કરતા કેટલાક વેપારીઓ હોવાનું લોકચર્ચા થી જાણવા મળ્યુ છે.ત્યારે રાજપારડી નગરમાં જુના મોબાઈલો ની લેવડદેવડ માં ચોરીના મોબાઈલ પણ વેચાતા હોવાની બાબતે સ્થાનિક તંત્ર તાકીદે સઘન તપાસ આરંભે તો કેટલીક ચોંકાવનારી બાબતો બહાર આવવાની સંભાવના રહેલી છે.
કેટલીક વાર મોબાઈલ રીપેર કરતી દુકાનો માંથી આવા રીપેરીંગ ના મોબાઇલોની ચોરી થવાની વાતો ઉઠતી હોય છે.પરંતુ આમાં કેટલાક કીસ્સાઓ માં પોલીસ ફરિયાદ નથી થતી.ત્યારે આવી બાબતોમાં સાચુ શું સમજવું? જો સઘન તપાસ થાય તો જ આવા રહસ્યો નો પણ પર્દાફાશ થાય એમ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.