રાજપારડી ચાર રસ્તા નજીક ચાર માર્ગીય માર્ગ પર મોટો ભુવો પડતા ભારે હાલાકી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરના ચાર રસ્તા પરથી પસાર થતા અંકલેશ્વર – રાજપીપલા ના ધોરીમાર્ગ પર ચાર રસ્તા ને અડીને સારસા ગામ તરફના રસ્તા પર મોટો ભુવો પડતા ભારે હાલાકિ નું નિર્માણ થયુ છે.
ઉપરાંત આ સ્થળે માર્ગ પર મોટા મોટા ખાડાઓ પડતા તેમાં વરસાદી પાણીનો ભરાવો થતા કાદવ કીચડ ના કારણે વાહનો સ્લીપ મારવાની ઘટનાઓ બનતી હોવાની વ્યાપક લોક ચર્ચાઓ ઉઠી રહી છે.અમુકવાર વાહનો ભુવામાં ફસાતા જેસીબી નો સહારો લેવો પડતો હોવાની વાતો પણ જાણવા મળી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા નધા માર્ગોમાં આ માર્ગ મહત્વનો મનાય છે.સ્ટેચ્યુ ને નિહાળવા જતા સહેલાણીઓ આ માર્ગેથી પસાર થાય છે ત્યારે માર્ગ ની બિસ્મારતા ના કારણે તેઓએ તકલીફ વેઠવી પડે છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ચાર રસ્તા નજીક વરસાદી પાણીના નિકાલ માટે ના નાળામાં મોંઢુ ખુલ્લુ નહિ રખાતા તે સ્થળે મોટો ભુવો પડી ગયો છે.ઉપરાંત ચાર માર્ગીય માર્ગ બન્યા બાદ થોડાજ સમયમાં માર્ગ પર મોટા મોટા ગાબડાઓ પડતા ભારે હાલાકિ વેઠવાનો વારો આવ્યો છે.તંત્ર તાકીદે જાગૃત બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે.*