રાજપારડી નગરમાં કોરોના પોઝિટિવ અંતર્ગત સીલ કરાયેલ કન્ટેન્ટમેન્ટ વિસ્તાર ખુલ્લો કરાશે
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં એક સ્થાનિક તબીબ અને તેમના પત્નિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સંબંધિત વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયું હતું.આ તબીબ દંપતિ કોરોના સામેના જંગમાં વિજયી બનીને ચાર દિવસ અગાઉ ઘેર પાછા ફર્યા છે.રાજપારડીમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારનો નિયત સમયગાળો પુર્ણ થતાં
હવે આવતીકાલ તા.૩ જી જુલાઇના રોજ કન્ટેન્ટમેન્ટ ઝોન ખુલ્લો કરાશે.આમ કન્ટેન્ટમેન્ટ થયેલ રાજપારડીનું મુખ્ય બજાર હવે રાબેતા મુજબ ધબકતું થશે.આરોગ્ય વિભાગના ડો.અશોક જાની અને ડો.છોટુભાઈ વસાવાના જણાવ્યા મુજબ નગરના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં આવતા ૧૫૦ જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યુ.
વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવેલા ગામોએ બે દિવસ દરમ્યાન કુલ આઠ શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાયા હતા.જે પૈકી એકનો રિપોર્ટ આવતા તે નેગેટીવ જણાયો હતો.આ લખાય છે
ત્યાં સુધી હજી અન્ય સાત વ્યક્તિઓના રિપોર્ટ આવવાના બાકી છે.ઉપરાંત અવિધા ગામે પણ બે કોરોના પોઝિટિવ કેસ આવતા અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.