રાજપારડી નજીકના બોરીદ્રાના ગ્રામજનો કાયદેસરના રસ્તાના અભાવે હાલાકીમાં
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના રાજપારડી નજીકના સરકારી બોરીદ્રા ગામે ગામમાં જવાનો કોઈ કાયદેસર નો માર્ગજ નથી એમ જાણવા મળ્યુ છે.ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ ગામ હજી કેમ કાયદેસરના માર્ગ ની સુવિધાથી વંચિત રહ્યું છે.આ ગામ સારસા ગ્રુપ ગ્રામ પંચાયત માં સમાવિષ્ટ ગામ છે. તેથી સરકારી બોરીદ્રા ના ગ્રામજનો એ અવારનવાર સારસા ગામે પંચાયત ના કામો માટે આવ જાવ કરવી પડે છે.અને આ માટે માધુમતિ ખાડી ઓળંગીને આવ જાવ કરવી પડતી હોય છે.ચોમાસામાં જ્યારે માધુમતિ નદી બે કાંઠે વહેતી હોય ત્યારે ગ્રામજનો ને ભારે હાલાકી પડે છે. રાજપારડી ના નેત્રંગ રોડ પરથી સરકારી બોરીદ્રા જવાનો કાચો માર્ગ છે.પરંતુ ફતેસંગભાઈ વસાવાએ જણાવ્યું કે આ રસ્તો ખાનગી માલિકીની જગ્યા માંથી જતો હોવાથી પાકો બનવામાં તકલીફ રહેલી છે.જ્યારે સારસા ગામથી માધુમતિ નદીમાં થઇને સરકારી બોરીદ્રા ગામે જવાય છે.
આ સ્થળે નદી પર છલીયુ કે જરુર ને અનુલક્ષીને પુલ બનાવાય અને તેનાથી આગળ બોરીદ્રા સુધી વ્યવસ્થિત રોડ બનાવાય તોજ ગ્રામજનો ને પડતી હાલાકી નિવારાય તેમ છે.ફક્ત બોરીદ્રા ના ગ્રામજનો નેજ નહિં,પરંતું સારસા ગામના નદીના સામા કાંઠે ખેતરો ધરાવતા ખેડૂતોએ પણ વારંવાર નદી ઓળંગવાની નોબત આવે છે. ત્યારે આ સ્થળે ખાડી પર છલીયુ બનાવાય તો સારસા અને બોરીદ્રા બન્ને ગામોના ગ્રામજનો ને લાભ થઇ શકે.આમ સરકારી બોરીદ્રા ગામ અત્યાર સુધી કાયદેસરના માર્ગ ની સુવિધા થી વંચીત હોવાથી ગ્રામજનો ને પડતી હાલાકી નિવારવા આ બાબતે તાકીદે ઘટતુ કરવા તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠવા પામી છે.*