રાજપારડી નજીક અવિધા ગામે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ગામના ત્રણ ફળીયા કન્ટેન્ટમેન્ટ વિસ્તાર અને ચાર ફળીયા બફર ઝોન વિસ્તારમાં સમાવાયા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ આજે નજીકના અવિધા ગામે પણ એક ચાલીસ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે સઘન કાર્યવાહી હાથધરી હતી.આરોગ્ય વિભાગ માંથી મળતી વિગતો મુજબ અવિધા ગામે રહેતા જિગ્નેશભાઈ દિનેશભાઈ દોસી નામના યુવકને બે દિવસ પહેલા શારીરિક તકલીફ જણાતા આ યુવકનો સેમ્પલ લેવાયો હતો.બાદમાં યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આરોગ્ય વિભાગ દ્વારા અન્ય પણ કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી આ યુવક સિવાય બાકીનાના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા આ કોરોનાગ્રસ્ત યુવકને એમ્બ્યુલન્સ દ્વારા અંકલેશ્વર ખાતે જયાબેન મોદી કોવિડ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.તેમજ યુવકના પરિવારના અન્ય ચાર સભ્યોને અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ક્વોરેન્ટાઇન કરાયા હતા.દરમ્યાન ગામના ત્રણ ફળિયાઓના કુલ ૭૮ જેટલા મકાનોને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં અને ચાર ફળિયાઓના કુલ ૧૦૯ જેટલા મકાનોને બફર ઝોન હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.આરોગ્ય સુત્રો માંથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ આ કોરોનાગ્રસ્ત યુવક પોસ્ટની બચત ખાતાની કામગીરી કરતો હતો.ત્યારે તે ઘણીબધી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો હોવાની દહેશત રહેલી છે.ઝઘડીયા તાલુકામાં ધીમેધીમે કોરોના પોતાનું જોર જમાવી રહ્યો હોઈ જનતા ચિંતિત બની છે.