રાજપારડી પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી થતા કલાકો સુધી વાહનવ્યવહાર અટવાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પાસે ભાલોદ જવાના રોડ પર માધુમતિ નદીના પુલ પાસે વર્ષો જુનું એક તોતિંગ વડનું વૃક્ષ ધરાશાયી થતા કલાકો સુધી વાહનવ્યવહાર અટવાયો હતો.છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસેલા મુશળધાર વરસાદ થી આ મોટું વૃક્ષ મુળીયા સમેત પડી ગયુ હતું.આ વૃક્ષ રોડ પર પડતા રોડ બંધ થઇ જતા કલાકો સુધી વાહનવ્યવહાર ગુંચવાયો હતો.ઉપરાંત વૃક્ષ પાસેથી પસાર થતી વીજ લાઇનો પરનો એક વીજ પોલ પણ આ ઘટનામાં પડી ગયો હતો.રાત્રીના ૩ વાગ્યે સર્જાયેલી આ ઘટનાને પગલે વણાકપોર પીપદરા પંથકના કેટલાક ગામો માં વીજ પુરવઠો ખોરવાયો હતો.આ વીજ ફોલ્ટ થી રાજપારડી નગરના કેટલાક વિસ્તારોમાં પણ અંધારપટ છવાયો હતો.વૃક્ષ પડવાની ઘટના રાત્રે ૩ વાગ્યા ના અરસામાં બની હોવાથી સદભાગ્યે કોઇ જાનહાની નથી થઇ.તોતિંગ વૃક્ષ પડવાથી રોડ બ્લોક થઇ ગયો હતો.ફક્ત દ્વિચક્રી વાહનો રોડની એક બાજુએથી માંડ માંડ પસાર થતા દેખાયા હતા.મોટા વાહનોની અવરજવર કલાકો સુધી અટકી ગઇ હતી.*