Western Times News

Gujarati News

રાજપીપલામાં યોજાયો મેગા જોબ-ફેર : ૩૮૭ જેટલા રોજગારવાંચ્છુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી    

રાજપીપળા:  નર્મદા જિલ્લા રોજગાર કચેરી અને આઇ.ટી.આઇ.ના સંયુકત ઉપક્રમે આજે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ સંકુલના પટાંગણમાં નર્મદા જિલ્લાના યોજાયેલા ત્રિમાસિક મેગા જોબ-ફેરને જિલ્લા રોજગાર અધિકારીશ્રી જી.આર.બારીયા, આઇ.ટી.આઇ.ના ઇન્ચાર્જ આચાર્યશ્રી અતુલભાઇ ચૌધરી, નાયબ માહિતી નિયામકશ્રી યાકુબભાઇ ગાદીવાલા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રી બી.આર.રાઠવા, આઇ.ટી.આઇ.ના પ્લેસમેન્ટ ઓફિસરશ્રી કાર્તિકભાઇ વસાવા સહિત વિવિધ ઔદ્યોગિક એકમના નોકરીદાતાઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રોજગારવાંચ્છુ ઉમેદવારોની હાજરીમાં દિપ પ્રાગટય દ્વારા મેગા જોબ-ફેરને ખુલ્લો મૂકાયો હતો. આ જોબ-ફેરમાં વિવિધ ૫૭૪ જેટલી જગ્યાઓ માટે ઉપસ્થિત રહેલા ૪૬૭ ઉમેદવારો પૈકી ૩૮૭ જેટલાં ઉમેદવારોની જે તે નોકરીદાતાઓ દ્વારા પ્રાથમિક પસંદગી કરાઇ હતી.

નર્મદા જિલ્લાના રોજગાર અધિકારીશ્રી જી.આર.બારીયાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જિલ્લા કક્ષાના આ જોબ-ફેરની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને તેમના મનપસંદની રોજગારીની તક મળી રહે તે માટે અને નોકરીદાતાઓને પણ તેમની જરૂરીયાત મુજબ કુશળ માનવબળ મળી રહે તેવા હેતુસર આજનો આ ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો છે, ત્યારે આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગારવાંચ્છુ ઉમેદવારોને તેમનામાં રહેલાં કૌશલ્ય મુજબ જે તે રોજગારીમાં પસંદગી પામીને તેમની કારકિર્દીનું ઘડતર કરવાની તેમણે હિમાયત કરી હતી.

જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી યાકુબભાઇ ગાદીવાલાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં રાજયના માહિતી વિભાગ દ્વારા પ્રસિધ્ધ થતાં “ગુજરાત રોજગાર સમાચાર” સાપ્તાહિક,  ગુજરાત રોજગાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક, ગુજરાત પાક્ષિક, ગુજરાત દિપોત્સવી અંક સહિત અન્ય પ્રક્રિર્ણ પ્રકાશનોની જાણકારી આપી યુવાનોને તેમના સામાન્ય જ્ઞાનમાં વધારો કરતાં આ પ્રકાશનો અને રોજગારલક્ષી ભરતીની માહિતીસભર બાબતોથી સતત અવગત રહીને તેનો મહત્તમ લાભ લેવાની સાથોસાથ માહિતી વિભાગના સોશિયલ મિડીયા ટુલ્સના ઉપયોગ થકી તેમાંથી પ્રાપ્ત થતાં માહિતીસભર ખજાનાને કારકિર્દી ઘડતરના ઉપયોગમાં લેવાની શ્રી ગાદીવાલાએ ખાસ હિમાયત કરી હતી.

નાયબ માહિતી નિયામકશ્રી ગાદીવાલાએ વધુમાં ઉમેર્યુ હતું કે, ડીઝીટલ યુગમાં યંગ ઇન્ડીયાની નવી જનરેશન જયારે સ્માર્ટ ફોન થકી સમગ્ર વિશ્વ સાથે સંપર્ક સેતુ સ્થાપી રહી છે ત્યારે જ્ઞાનના આદાન-પ્રદાનની તેમની જિજ્ઞાસા સંતોષી શકાય અને તેમને ફકત એક કલીકથી જ ઉપલબ્ધ કરાવી શકાય તેવા પ્રયાસના ભાગરૂપે રાજય સરકારના માહિતી અને પ્રાસરણ વિભાગે વિશેષ કરીને માહિતી વિભાગના સોશિયલ મિડીયાના વિવિધ ટુલ્સનો યુવાનોને બખુબી ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ જ ઉપયોગી રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી સાથે સરકારની કામગીરી, પ્રજાલક્ષી નિર્ણયો, ફલેગશીપ કાર્યક્રમ, રાજયની ભાતીગળ સંસ્કૃતિ સાથે જિલ્લાઓની ઔતિહાસિક જાણકારી, પ્રેરણાદાયી સ્ટોરી જેવી અલભ્ય માહિતી જિજ્ઞાસુઓને એક જ કલીકના માધ્યમથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે માહિતી વિભાગે તેની વેબ સાઇટ્સ સહિત ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ, ટવીટર અને યુ ટયુબ ચેનલો પણ કાર્યાવિત કરીને છેવાડાના વ્યકિતઓ સુધી જાણકારી પહોચાડવાનો રાજયના માહિતી વિભાગે યજ્ઞ આદર્યો છે તેમ પણ શ્રી ગાદીવાલાએ જણાવ્યું હતું.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રી બી.આર.રાઠવાએ પણ તેમના પ્રસંગોચિત ઉદ્ બોધનમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રોજગારલક્ષી વિવિધ યોજનાઓ ઉપરાંત સ્વરોજગારલક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી પૂરી પાડી સેવા, ઉદ્યોગ-વેપાર જેવી પ્રવૃત્તિઓ માટેની ધિરાણ સહાયનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે બ્રેક ઇન્ડીયા પ્રા. લી.-ઝઘડીયાનાશ્રી હિરેનભાઇ, અતુલ ઇન્સ્ટ્રીટયુટ ઓફ વોકેશનલ એક્ષેલન્સ-ધરમપુરનાશ્રી ગોવિંદભાઇ, રીલાયન્સ નીપોન લાઇફ ઇન્સ્યોરન્સ-રાજપીપલાના શ્રી હરવિન્દસિંહ, નિરવ હેલ્થ કેર-રાજપીપલાના શ્રી નિરવભાઇ, કોઝન્ટ ઇ સર્વિસ-વડોદરાના શ્રી ફતેસિંગભાઇ, નિવિક ઇન્ડસ્ટ્રીઝ-આમલેથાના શ્રી ભાવેશભાઇ, સાંઇ સિધ્ધિ ફાર્મા કેમ-રાજપીપલાના શ્રી મનીષભાઇ, ટ્રેન્ડ ફાર્મા-રાજપીપલાના શ્રી જયંતીભાઇ ભટૃ, સી.પેટ સ્કીલ ડેવલપમેન્ટ-વલસાડનાશ્રી પંકજભાઇ પગી વગેરે જેવા નોકરીદાતા-સંસ્થાઓએ આ મેગા જોબ-ફેરમાં ભાગ લીધો હતો અને તેમના પ્રસંગોચિત ઉદ્ બોધનમાં તેમની સંસ્થા તરફથી ઉપલબ્ધ રોજગારની સાથે પૂરી પડાતી અન્ય કલ્યાણલક્ષી સવલતોની પણ સવિશેષ જાણકારી સાથે ઉપસ્થિત રોજગારવાંચ્છુ ઉમેદવારોને તેનાથી માહિતગાર કર્યા હતા.

પ્રારંભમાં જિલ્લા રોજગાર અધિકારીશ્રી જી.આર. બારીયાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. કાર્યક્રમનુ સંચાલન રોજગાર કચેરીના શ્રી ગુંજનકુમાર સોનીએ કર્યુ હતું. અને અંતમાં આઇ.ટી.આઇ.ના ઇન્ચાર્જ આચાર્યશ્રી અતુલભાઇ ચૌધરીએ આભારદર્શન કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.