રાજપીપળાના PI ૨ લાખની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ, ગુજરાતના રાજપીપળાના ટાઉન પોલીસ સ્ટેશનના PI જગદીશ ચૌધરીને હરિયાણામાં ૨ લાખ રૂપિયાની લાંચ લેવી ભારે પડી ગઈ હતી. ૨ લાખ રૂપિયાની લાંચ લેતાં હરિયાણાની સ્ટેટ વિજિલન્સ બ્યૂરોની રોહતકની ટીમે તેમને રંગહાથે ઝડપી લીધા હતા.
જે બાદ PI જગદીશ ચૌધરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે જગદીશ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દીધા હતા. જગદીશ ચૌધરી લાંચ લેવા માટે પ્લેનથી રવિવારની સાંજે દિલ્હી પહોંચ્યા હતા. થોડા મહિનાઓ રાજપીપળા પોલીસ દ્વારા અગાઉ બિરસા મુંડા યુનિવર્સિટીના નામ પર ફેક ડિગ્રી બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું.
આ કેસમાં સામેલ આરોપી સામે સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ ન કરવા અને કેસને નબળો પાડી દેવા માટે જગદીશ ચૌધરી દ્વારા ત્રણ લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. જેમાં અગાઉ ૧૨ એપ્રિલના રોજ જગદીશ ચૌધરીને ૧ લાખ રૂપિયા પણ આપી દેવામાં આવ્યા હતા.
પણ બાકીના બે લાખ રૂપિયા લેતાં તેઓને સ્ટેટ વિજિલન્સ ટીમે ઝડપી પાડ્યા હતા. આ મામલે સ્ટેટ વિજિલન્સના ડીએસપી સુમિત કુમારે જણાવ્યું હતું કે, થોડા મહિનાઓ અગાઉ ગુજરાતની બિરસા મુંડા યુનિવર્સિટીના નામ પર ફેક ડિગ્રી બનાવવાના મામલાનો પર્દાફાશ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ મામલે નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસે ૧૦થી વધારે લોકોની ધરપકડ કરી હતી.
તેમની પૂછપરછ દરમિયાન ફરીદાબાદના અમરનગરના રહેવાસી અમરિંદર પુરીની ભૂમિકા પણ સામે આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા તેને ૨૪ ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી લેવામાં આવી હતી. અને તે હાલમાં ગુજરાતની જેલમાં બંધ છે અને તેની સામે ચાર્જશીટ પણ રજૂ થઈ ચૂકી છે.
DSP સુમિત કુમારે વધુમાં જણાવ્યું હતું કે, આરોપ છે કે, રાજપીપળાના પોલીસ ઈન્સ્પેક્ટર જગદીશ ચૌધરીએ અમરિંદર પુરીના મામા સંદીપ પુરી પાસે ત્રણ લાખ રૂપિયાની લાંચ માગી હતી.
અને કહ્યું હતું કે, તે તેમના ભત્રીજાની સામે સપ્લિમેન્ટરી ચાર્જશીટ રજૂ નહીં કરે અને કેસને નબળો પણ પાડી દેશે. આ વાત થતાં સંદીપ પુરીએ ૧૨ એપ્રિલે ગુજરાતમાં ઈન્સ્પેક્ટર જગદીશના ઘરે એક લાખ રૂપિયાની લાંચ આપવા ગયા હતા.
જે બાદ જગદીશ સતત બે લાખ રૂપિયા આપવા માટે દબાણ કરતા હતા. તેવામાં પરેશાન થઈને સંદીપ પુરીએ ઈન્સ્પેક્ટરની સામે વિજિલન્સમાં ફરિયાદ કરી હતી.
સંદીપ પુરીએ જગદીશ ચૌધરીને ૨ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. અને ગુરુગ્રામના સેક્ટર-૪૯ વિસ્તારમાં એક ગેસ્ટ હાઉસમાં લાંચ આપવાનું નક્કી થયું હતું. નક્કી કરેલ સમય પર ઈન્સ્પેક્ટર ગેસ્ટ હાઉસ પર પહોંચી ગયા હતા.
બીજી બાજુ સંદીપ પુરીએ સ્ટેટ વિજિલન્સ બ્યૂરોની રોહતક ટીમના ડીએસપી સુમિત કુમારને પણ સમગ્ર મામલાની જાણ કરી દીધી હતી. જાણકારી મળતાં જ રોહતકની ટીમ ગુરુગ્રામ પહોંચી ગઈ હતી અને જેવાં જ ઈન્સ્પેક્ટરે પૈસા પકડ્યા ત્યાં જ તેઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ડીએસપી સુમિત કુમારે જણાવ્યું કે, ગુજરાતમાં સ્થિત બિરસા મુંડા યુનિવર્સિટીના નામ પર ફેક ડિગ્રી બનાવવામાં આવી હતી. તે ડિગ્રીના આધારે અનેક લોકો વર્ક વિઝા અને પીઆર લઈને વિદેશ ગયા હતા. વિદેશથી જ્યારે ડિગ્રીની ચકાસણી માટે આવી તો, આરોપીઓએ નકલી વેબસાઈટ બનાવી એ ફેક ડિગ્રીની ચકાસણી પણ કરી દીધી હતી. બિરસા મુંડા યુનિવર્સિટીમાં બીએ, બી.કોમ, અને બીએસસી જેવા કોર્સ થાય છે. જ્યારે જે ડિગ્રી બની હતી, તે પીજી અને પીએચડીની હતી. જ્યારે આવાં કોર્સ યુનિવર્સિટીમાં થતાં જ નથી.SSS