રાજપીપળા ખાતે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત
અમદાવાદ: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ધો-૧૦ની બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા ભદામ ગામના બે વિદ્યાર્થીઓ અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ વિદ્યાર્થીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે બીજા એક બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય વિદ્યાર્થીને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બોર્ડની ધોરણ-૧૦ની પરીક્ષા આપે તે પહેલાં જ પ્રથમ દિવસે દિકરો ગુમાવતાં પરિવારમાં શોકનો માતમ છવાયો હતો. બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં પણ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજપીપળાના ભદામથી માંગરોળ બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થીનું બાઇક ગુવાર ગામ પાસે કોઇક કારણસર અચાનક સ્લીપ ખાઇ ગયું હતું. જેમાં બાઇક પર બેઠલો વિદ્યાર્થી બહુ જારદાર રીતે જમીન પર પટકાયો હતો અને તેનું બાઇક ઘસડાયુ હતું. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે આ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ વિદ્યાર્થીનો માંગરોળ સ્કૂલમાં પરીક્ષા આપવાનો હતો. જા કે, પરીક્ષા આપે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
બીજા એક બનાવમાં, ગાડિત ગામનો ધો-૧૦નો વિદ્યાર્થી રાજ મોવાસી વસાવા અચાનક બિમાર પડ્યો હતો. ઘરેથી ૮-૩૦ કલાકે પરીક્ષા આપવા જઇ રહ્યો હતો, ત્યારે અચાનક ચક્કર આવી પડી જતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ખાસ કરીને બોર્ડની પરીક્ષાના પહેલાં જ દિવસે પરીક્ષા આપવા જતાં પુત્ર ગુમાવનાર પરિવારમાં તો શોકનું ફરી વળ્યું હતું.