રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સરસ મેળો-૨૦૨૦’ને ખુલ્લો મુકાયો
૧૬ થી ૨૩ ફેબ્રુઆરી સુધી યોજાનારા ‘સરસ મેળો-૨૦૨૦’માં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે
ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામિણ મહિલા સ્વ-સહાય જૂથોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમના દ્વારા ઉત્પાદિત કરાયેલી કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી આવા સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહિત કરવાના આશયથી ‘સરસ મેળા-૨૦૨૦’નું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે ‘સરસ મેળો-૨૦૨૦’ને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઇ ખાબડે ખુલ્લો મુક્યો.ગ્રામિણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ્ય વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામિણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો અને સખીમંડળોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના ઉમદા આશયથી પ્રદર્શન સહ વેચાણ થાય તે હેતુ માટે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રાદેશિક સરસ મેળામાં વિવિધ રાજ્યોના ૫૦ સ્ટોલ તેમજ ગુજરાતના તમામ જિલ્લાના ૧૦૦ જેટલા સ્ટોલ જોવા મળશે. ગ્રામિણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ મેળામાં હરિયાણા, આંધપ્રદેશ, આસામ, પંજાબ, છત્તિસગઢ, તેલંગાણા, ગોવા, ઓડિશા, ઉત્તરપ્રદેશ, કેરળ અને પોંડિચેરી સહિતના રાજ્યો ભાગ લીધો છે.
આ મેળામાં હરિયાણાની ટેરાકોટાની ચીજવસ્તુઓ, છત્તિસગઢનું કોસાવર્ક, કેરળનો હલવો, એલ.ચી, મગજતરીના બીજ અને ગોવાના ડ્રાયફૂટ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલ પણ જોવા મળશે. આ ઉપરાંત મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટિવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલરને પણ પુરસ્કાર આપવામાં આવશે.
‘સરસ મેળો- ૨૦૨૦’ તા.૧૬ થી ૨૩ ફેબ્રુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન પાસે યોજાશે. કલા અને સાંસ્કૃતિ વિભાગ દ્વારા શહેરના નાગિરકો માટે ‘સરસ મેળો-૨૦૨૦’માં સાંજના ૭.૦૦ થી ૯.૦૦ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આ સાથે સવારના ૧૦.૦૦ થી રાત્રિના ૯.૦૦ વાગ્યા સુધી ફૂડ કોર્ટ પણ ચાલું રહેશે.
આ પ્રસંગે ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રી મનોજ અગ્રવાલ, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની.લીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી ડી.ડી.કાપડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરુણ મહેશ બાબુ તેમજ ગ્રામ વિકાસ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.