રાજયના ત્રણ હાઈવે વેચીને ૨૦ હજાર કરોડ એકઠા કરાશે

પ્રતિકાત્મક
ગાંધીનગર, નાણાં એકઠા કરવા માટે સરકાર કેટલાક હાઈવે વેચવાની યોજના ધરાવે છે. તેમાં ગુજરાતના ત્રણ હાઈવે સ્ટ્રેચને પણ સમાવવામાં આવે તેવી શક્યતા છે. ૧૫ વર્ષના કન્સેસન પિરિયડ પછી આ હાઈવેને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ)ને પરત સોંપવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આવેલા આ ત્રણ હાઈવે પ્રોજેક્ટની કુલ લંબાઈ ૩૭૭ કિમી થાય છે. તેના વેચાણ દ્વારા સરકાર રૂ. ૧૮ હજાર કરોડથી ૨૦ હજાર કરોડ એકઠા કરી શકે છે. આ ત્રણેય હાઈવે સિક્સ લેનના છે. તેમાં વડોદરા-ભરૂચ હાઈવે, ભરુચ-સુરત અને સુરત-દહીસર હાઈવે બ્લોક સામેલ છે.
આ હાઈવે પરથી હાલમાં કુલ મળીને રૂ. ૧૭૦૦ કરોડનો ટોલ વસુલવામાં આવે છે. નેશનલ હાઈવે ઓથોરિટી (એનએચએઆઈ) સફળ બિડર્સ પાસેથી અપફ્રન્ટ નાણાં મેળવવા માટે પ્રોજેક્ટને ૨૦ વર્ષ માટે મોનેટાઈઝ કરી રહી છે.
એનએચએઆઈ દ્વારા બીઓટી-ટોલ (બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર) મોડેલ પર આ હાઈવે વિકસાવવામાં આવ્યા છે. તેને પબ્લિક – પ્રાઈવેટ -પાર્ટનરશિપ (પીપીપી) બેઝ પર વિકસાવવામાં આવ્યા છે. તેમાંથી પ્રથમ સ્ટ્રેચ લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડટી)ને આપવામાં આવ્યો છે અને તેણે રૂ. ૪૭૫ કરોડની અપફ્રન્ટ વન-ટાઈમ ચુકવણી કરી દીધી છે. અન્ય બે પ્રોજેક્ટ આઈઆરબીને મળ્યા છે. તેમાંથી એક પેમેન્ટ બેઝ પર છે અને બીજાે રેવન્યુ શેરિંગ મોડેલ પર છે.
અધિકારીએ જણાવ્યું હતું કે અમે પ્રોજેક્ટને પરત મેળવવાની પ્રક્રિયા પરસ્પર મંજૂરીથી પૂર્ણ કરી છે જેમાં કોઈ ક્લેમ કે કાઉન્ટર ક્લેમ નથી. આ એ બાબતની સફળતાનું ઉદાહરણ છે કે કઇ રીતે BOT – Toll પ્રોજેક્ટ ને મેનેજ કરી શકાય અને સરકારી એજન્સીઓ તથા પ્રાઈવેટ પ્લેયર્સના હિતને જાળવી શકાય. આ સંપૂર્ણપણે ઓપરેશનલ પ્રોજેક્ટ છે અને તેમાં વર્ષોથી ટોલિંગ સ્થિર થયું છે.
તેમણે ઉમેર્યું હતું કે આ એવો પ્રથમ કેસ છે જેમાં તમામ મુદ્દાનો પરસ્પર સહમતીથી ઉકેલ લાવ્યા પછી સમગ્ર કોરિડોર નેશનલ હાઈવે ઓથોરિટીને પરત આપવામાં આવે છે.SSS