રાજયના મહાનગરોમાં રાત્રિ કફર્યુ ૧ કલાક લંબાવાયો: ધો.૧ થી ૯ ઓફ લાઈન શિક્ષણ બંધ
(પ્રતિનિધિ) અમદવાદ, ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસો એકાએક વધતા કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારોને તકેદારીના તમામ પગલાં લેવા માટે સુચન કરવામાં આવ્યા પછી ગુજરાતમાં પણ સરકાર સફાળી જાગી હતી અને વાયબ્રંટ સમિટ, ફલાવર શો તથા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેવા કાર્યક્રમોને રદ કરી દીધા હતા તો બીજી તરફ આજે કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈનની અવધિ પૂર્ણ થતી હોવાથી આ દિશામાં નવી ગાઈડલાઈનની જાહેરાત કરવા માટે સરકારે સવારથી જ કવાયત હાથ ધરી હતી મોડી સાંજ સુધીમાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી.
જેમાં તબક્કાવાર ચર્ચાના અંતે નવી ગાઈડલાઈનની જાહેરાત કરવામાં આવી હતી. રાજય સરકારે કફર્યુના સમયગાળામાં વધારો કર્યો છે અગાઉ જે સમય ગાળો હતો તેમાં એક કલાક વધારો કરાયો છે એટલે કે હવે અમદાવાદ સહિત ૮ મહાનગરોમાં કફર્યુનો સમય રાત્રિના ૧૦.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી રહેશે તો ઓફ લાઈન શિક્ષણને પણ બંધ કરાયુ છે.
ધો.૧ થી ૯ ના વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે એટલે આવતીકાલથી જ તમામ શાળાઓ ઓફ લાઈન શિક્ષણ બંધ કરી દેશે. આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તબક્કાવાર જુદા જુદા જિલ્લાના કલેકટરો તથા શહેર કમિશ્નરો સાથે બેઠક યોજી હતી અને તેમની સાથે સમગ્ર વ્યવસ્થાપન કઈ રીતે ગોઠવવું તે અંગે માહિતી આપવાની સાથે સુચનો પણ મેળવ્યા હતાં.
દરમિયાનમાં આજે કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈનનો સમયગાળો રાત્રિના પૂર્ણ થતો હોવાથી તે અંગે આજે મોડી સાંજથી જ બેઠકોનો દોર શરૂ થયો હતો. કોર કમિટિની બેઠકમાં નવા નિયંત્રણો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો જે મુજબ કફર્યુની અવધિમાં વધારાની સાથે ઓફ લાઈન શાળાઓ બંધ કરવા તથા હોટેલ અને રેસ્ટોરન્ટોમાં ૭પટકાની ક્ષમતા સાથે ખુલ્લો રાખવાની છુટ આપવામાં આવી છે.