રાજયની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટોમાં દસ જજીસની નિમણૂંક
અમદાવાદ, ગુજરાત રાજયમાં છેલ્લા સાત મહિના કરતાં વધુ સમયથી કુલ ૧૮ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાંથી ફકત એક જ નોમીની કોર્ટ કાર્યરત છે અને બાકીની ૧૭ જગ્યાઓ ખાલી છે. તો, ગુજરાત સ્ટેટ કો. ટ્રિબ્યુનલમાં પણ બે મેમ્બરોની જગ્યાઓ ખાલી છે. જજાની નિમણૂંકના અભાવે બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટોમાં હજારો સંખ્યામાં કરોડો રૂપિયાના દાવાઓ અટવાયા છે. તો, મંડળીઓ, સહકારી સંઘો, બેંકો, હાઉસીંગ સોસાયટીઓ અને સભાસદોને પારાવાર નુકસાન થઇ રહ્યુ છે.
વકીલોની સાથે સાથે પક્ષકારો બહુ ભયંકર હાલાકી ભોગવી રહ્યા છે અને પ્રજાજનો ન્યાયથી વંચિત રહી રહ્યા છે ત્યારે ગુજરાત કો.ઓ.બાર એસોસીએશને તાજેતરમાં જ પાડેલી રાજયવ્યાપી હડતાળ આખરે રંગ લાવી છે. રાજય સરકાર દ્વારા આ સમગ્ર વિવાદમાં હવે દસ જેટલા જજીસની નિયુકિત કરીને અમુક જિલ્લામાં બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટોને ધમધમતી કરવાનો પ્રયાસ કર્યો છે.
સરકારે દસ જેટલા જજીસને અમદાવાદ સહિત રાજયની સાતથી આઠ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટોનો વધારાનો હવાલો પણ સોંપી કોર્ટ કામગીરી ચાલુ થાય તે પ્રકારનું હાલ તો કામચલાઉ આયોજન કરાયું છે. જયારે બાકીની ખાલી જગ્યાઓ અંગે સરકાર દ્વારા આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.
બોર્ડ ઓફ નોમનીઝ કોર્ટો અને ટ્રિબ્યુનલમાં જજીસની ખાલી જગ્યાઓ મુદ્દે ગુજરાત કો.ઓ.બાર એસોસીએશનની તાજેતરની હડતાળના દિવસે જ રાજયના સહકાર સચિવ મનીષ ભારદ્વાજે ગુજરાત કો.ઓ.બાર એસોસીએશનના પ્રમુખ એચ.આર.શાહ, સેક્રેટરી આઇ.કે.જાડેજા, ધીરજભાઇ ઠક્કર, પી.આઇ.પટેલ, અજીત ગઢવી, એચ.બી.ત્રાડા, કેબી.પટેલ, વિરેન્દ્ર પાસી, વી.સી.રાવલ, નીરવ મોદી સહિતના પ્રતિનિધિમંડળને બોલાવી તેમની રજૂઆત સાંભળી હતી અને બે સપ્તાહમાં જજીસની નિમણૂંક કરવાની હૈયાધારણ આપી હતી. જેના અનુસંધાનમાં આખરે રાજય સરકાર દ્વારા જજીસની નિમણૂંક માટેના નામો મંગાવ્યા હતા અને તેની પર વિચારણા બાદ આજે પ્રાથમિક તબક્કામાં દસ જેટલા જજીસની નિમણૂંક કરી સમગ્ર વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયના ૩૩ જિલ્લાઓમાં લાખોની સંખ્યામાં સહકારી બેંકો, ક્રેડિટ સોસાયટી, ખરીદ વેચાણ સંઘો, મંડળીઓ, હાઉસીંગ સોસાયટી વગેરે આવેલા છે અને જેની તકરાર કે વિવાદના નિકાલ માટે વિવિધ જિલ્લામાં કુલ ૧૮ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ, એપલેટે ટ્રિબ્યુનલ અને ગુજરાત સ્ટેટ કો.ઓ.ટ્રિબ્યુનલની સ્થાપના કરાયેલી છે. પરંતુ છેલ્લા સાત મહિના ઉપરાંતના સમયથી રાજયની ૧૮ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાંથી માત્ર સમ ખાવા પૂરતી એક જ નોમીની કોર્ટ કાર્યરત છે અને બાકીની ૧૭ જગ્યાઓ ખાલી છે તેમ જ ગુજરાત સ્ટેટ કો.ઓ.ટ્રિબ્યુનલમાં પણ બે મેમ્બરોની જગ્યા ખાલી છે.
આ સમગ્ર મામલે રાજય સરકાર, ગુજરાત હાઇકોર્ટ અને છેક વડાપ્રધાન સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં નિમણૂંકો નહી થતાં ગુજરાત કો-ઓપરેટીવ બાર એસોસીએશન દ્વારા તાજેતરમાં જ તા.૧૧મી ઓકટોબરે બહુ સજ્જડ અને જડબેસલાક રાજયવ્યાપી હડતાળ પાડવામાં આવી હતી.