રાજયમાં ઉત્તરાયણ લોહીયાળ બની
૧૦૮ને ૩૩૫૧ ઈમરજન્સી કોલ મળ્યા, ૧૮૬ને દોરી વાગી, પટકાતા એકનું મોતઃ દોરી વાગતા એકની જીભ કપાઈ |
અમદાવાદ, રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. જો કે ઉત્તરાયણ દરમિયાન પતંગની મજાની સાથે સાથે ચાઈનિઝ દોરી અનેક લોકોના જીવ પણ લે છે તો કોઈને કાયમી શારીરિક ખોડ ખાપણ આપતી જાય છે. આજે પણ રાજ્યમાં આ પ્રકારના અનેક બનાવો બન્યા છે. ૧૦૮ એમ્બ્યુલન્સને સાંજના ૬ વાગ્યા સુધીમાં ૩૩૫૧ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે, જ્યારે ગત વર્ષે ૩૦૫૫ કોલ મળ્યા હતા. આમ ૨૦૧૯ કરતા ૨૯૬ કોલ વધુ મળ્યા છે. તેમજ દોરી વાગવાના ૧૮૬ કેસ નોંધાયા છે. સુરતમાં બાળક અને વૃદ્ધને દોરી વાગી છે અને એક યુવકની જીભ કપાઈ ગઈ છે. તેમજ અમદાવાદમાં કિશોરી ધાબા પરથી પટકાઈ છે અને એક બાઈક ચાલકને દોરી વાગતા ૨૮ ટાકા આવ્યા છે.
વડોદરાના ખોડીયાર નગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસમાં બી-૭૦૬ બંસીધર હાઇટ્સમાં રહેતો ૧૬ વર્ષના કરણ રાઠોડ પતંગ ઉડાવવામાં મશગુલ હતો. આ દરમિયાન અચાનક જ ટેરેસ ઉપરથી પટકાતા કરણનું મોત નીપજ્યું હતું. ચલથાણમાં રહેતા પપ્પુસિંગ બાઈક પર ત્રણ સંતાનોને લઈ પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબાજી માતાના દર્શન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમના આગળ બેઠેલા શિવમ(ઉ.વ.૪)ના ગળામાં દોરી ભરાઈ હતી.
આ દરમિયાન પિતાએ બાળકને બચાવવા જતા બ્રેક મારી અને પરિવાર સાથે રસ્તા પર પડ્યા હતા. પતંગનો દોરો શિવમના ગળામાં ધુસી ગયો હોવાથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી ઘટના સ્થળ પાસેથી પસાર થઈ રહેલા કોન્સ્ટેબલ કિરીટ પટણીએ વધુ સમય ન બગાડતાં તાત્કાલિક શિવમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડ્યો હતો. ઘોડદોડ રોડ ખાતે આવેલી બીએસએનએલ કોલોનીમાં રહેતા બાલુભાઈ પવાર (ઉ.વ.૬૭) નિર્મળ હોસ્પિટલ સામે ફલાઈ ઓવર બ્રીજ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન પતંગના દોરાથી તેમનું ગળું કપાતા રોડ પર પડી ગયાં હતાં. રોડ પર પડેલા વૃધ્ધ પર કાર ચાલકની નજર પડતાં તેઓ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. તેમજ ઉધના દરવાજા બ્રિજ પર બાઇક પર જઈ રહેલા યુવકની પતંગના દોરાથી જીભ કપાઈ ગઈ હતી. જેને પગલે ઈજાગ્રસ્ત યુવકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદના વસ્ત્રાલમાંથી એક બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને દોરી વાગતા પટકાયો હતો. જેને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેન આંખ અને કાન પાસે ૨૮ ટાંકા લેવા પડ્યા હતા. વાડજમાં નેહા નામની ૧૩ વર્ષની કિશોરીને ધાબા પરથી નીચે પટકાતા મોઢાના ભાગે ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સરદારનગર વિસ્તારમાં ૪૨ વર્ષના ઉનમેશભાઈ દત્ત નીચે ધાબા પરથી પટકાતા તાત્કાલિક ૧૦૮ મારફતે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભિલોડાના ભૂતાવડમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા યુવાનને માથામાં પાંચ ટાકા આવ્યા હતા. શહેરના રખિયાલ વિસ્તારમાં ૧૨ વર્ષનો જય નામનો કિશોર ધાબા પરથી નીચે પટકાયો હતો. માથામાં અને શરીરના ભાગે ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ક્યાં કેટલા ઇમરજન્સી કોલ આવ્યાં?
જિલ્લો | ઇમરજન્સી કોલ્સ |
અમદાવાદ | 611 |
સુરત | 300 |
દાહોદ | 170 |
વડોદરા | 163 |
રાજકોટ | 159 |
ભાવનગર | 151 |
વલસાડ | 151 |
કચ્છ | 119 |
ભરૂચ | 101 |
પંચમહાલ | 99 |
જામનગર | 98 |
ગાંધીનગર | 86 |
જૂનાગઢ | 85 |
આણંદ | 81 |
અમરેલી | 80 |
બનાસકાંઠા | 77 |
નવસારી | 76 |
મહેસાણા | 74 |
મહિસાગર | 73 |
નર્મદા | 69 |
ખેડા | 67 |
સાબરકાંઠા | 67 |
છોટાઉદેપુર | 65 |
તાપી | 59 |
ગીર-સોમનાથ | 46 |
પાટણ | 44 |
સુરેન્દ્રનગર | 44 |
બોટાદ | 33 |
પોરબંદર | 31 |
અરવલ્લી | 30 |
ડાંગ | 26 |
દેવભૂમિ દ્વારકા | 25 |
મોરબી | 23 |
કુલ | 3351 |