Western Times News

Gujarati News

રાજયમાં નવા ટ્રાફિક નિયમોના અમલ અંગે આજે નિર્ણય

File

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વાહન વ્યવહાર, ગૃહ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે મળનારી બેઠક પર તમામની નજર

(પ્રતિનિધિ) ગાંધીનગર : દેશભરમાં ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન કરવા માટે કેન્દ્રીય વાહન વિભાગ દ્વારા ટ્રાફિક નિયમ માટે નવા નિયમો બનાવ્યા છે અને તેની મંજુરી પણ આપી દેવામાં આવી છે વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં આ નિયમો લાગુ કરવાનો આદેશ આપ્યો છે પરંતુ કેટલાક રાજયોએ જંગી દંડ સાથેના આ નિયમોનો અમલ કરવા માટે ફેર વિચારણાની માંગણી કરી છે અને ગુજરાત સહિતના રાજયોએ આ મુદ્દે તાત્કાલિક અસરથી આ નિયમોનો અમલ અટકાવી દીધો હતો.

આ દરમિયાનમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આરટીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી છે અને તેમાં આ અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે જેના પરિણામે રાજયભરના વાહનચાલકોની નજર આ બેઠક પર મંડાયેલી છે નાગરિકો ટ્રાફિક નિયમન માટે જરૂરી માળખુ પહેલા ઉભુ કરવાની માંગણી કરી રહયા છે તો બીજી બાજુ આજે રાજય સરકાર શું નિર્ણય લે છે તે અંગે નાગરિકોમાં ભારે ઉત્સુકતા જાવા મળી રહી છે નવા નિયમોમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલક પાસેથી મોટી રકમનો દંડ વસુલ કરવાની જાગવાઈ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે દેશભરમાં અકસ્માતોની સંખ્યા ઘટે અને ટ્રાફિક નિયમન યોગ્ય રીતે જળવાઈ રહે તથા વાહનચાલકોની સુરક્ષા વધે તે માટે કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી દ્વારા નવા ટ્રાફિક નિયમો તૈયાર કર્યા છે અને કેન્દ્રીય કેબીનેટમાં તેને મંજુરી પણ મળી ગઈ છે

આ નવા નિયમોમાં દંડની રકમ ખૂબ જ વધારે હોવાથી અનેક સ્થળો પર તેનો ભારે વિરોધ થઈ રહયો છે. પરંતુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેના અમલ માટે મક્કમ જણાઈ રહયા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ નિયમોના અમલથી દેશમાં અકસ્માતોની સંખ્યા ઘટશે તથા વાહન ચાલકો પણ નિયમોનો ભંગ કરતા ખચકાશે ભારે વિરોધ વચ્ચે ગુજરાત સરકારે આ અંગે વિચારણા શરૂ કરી હતી.

રાજય સરકારે કેન્દ્ર સરકારના આ નિયમોનો તાત્કાલિક અમલ અટકાવી દીધો હતો અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ અંગે જરૂરી વિભાગના અધિકારીઓ દ્વારા ચર્ચા વિચારણા કર્યાં બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીના નિવેદન બાદ રાજય સરકારે તબક્કાવાર બેઠકો યોજી ચર્ચા વિચારણા શરૂ કરી હતી.

તમામ વિભાગો પાસેથી અભિપ્રાય મેળવી લીધા બાદ રાજય સરકારે નવા નિયમોના અમલ માટે અંતિમ બેઠક આજે બોલાવી છે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને આરટીઓના અધિકારીઓ તથા ગૃહવિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી આ મુદ્દે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.

ગાંધીનગરમાં યોજાનારી આ બેઠકને લઈ રાજયભરમાં ભારે ઉત્સુકતા જાવા મળી રહી છે નવા ટ્રાફિક નિયમોમાં નિયમનો ભંગ કરનાર વાહન ચાલક પાસેથી જંગી દંડ વસુલ કરવાની જાગવાઈ કરાયેલી છે અને તેમાંય ખાસ કરીને સગીર વાહન ચલાવતો પકડાય તો તેના વાલીઓને પણ જેલની સજા સુધીની જાગવાઈ કરાઈ છે આ તમામ નિયમોના કારણે ભ્રષ્ટાચાર વધશે તેવુ સ્પષ્ટપણે નાગરિકો માની રહયા છે. આ ઉપરાંત આ નિયમોના કારણે ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ વધશે.

નિયમોના અમલ પહેલા સરકારે તમામ સ્થળો પર યોગ્ય માળખુ સૌ પ્રથમ ગોઠવવુ પડે તે જરૂરી છે. શહેરના રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે આ ઉપરાંત પા‹કગની જગ્યાઓ પણ ખુલ્લી કરવામાં આવી નથી જેના પરિણામે વાહન ચાલકો પણ રસ્તાઓ ઉપર વાહન પાર્ક કરવા માટે મજબુર બને છે અને છેવટે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો જ દંડનીય કાર્યવાહીનો ભોગ બનતા હોય છે તેથી સૌ પ્રથમ શહેરમાં પાર્કિગની જગ્યાઓ ખુલ્લી કરવાની લાગણી પણ પ્રવર્તી રહી છે.

આ તમામ મુશ્કેલીઓ વચ્ચે નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ કરતા પહેલા યોગ્ય કાર્યવાહી કરી નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ લાવવો જાઈએ તેવુ કેટલાક સંગઠનોએ રજુઆત કરી છે. ભાજપ શાસિત ગુજરાત રાજયે નવા નિયમોનો અમલ તાત્કાલિક નહી શરૂ કરતા કેન્દ્ર સરકારે પણ તેની નોંધ લીધી હતી આ દરમિયાનમાં આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં મળનારી બેઠકમાં શું નિર્ણય લેવાય છે તેના પર તમામની નજર મંડાયેલી છે.

બીજીબાજુ રાજકોટ સહિતના સ્થળો પર ટ્રાફિકના નવા નિયમોના મુદ્દે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે અને આગામી દિવસોમાં આ વિરોધ વધુઉગ્ર બને તેવી દહેશત પણ સેવાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.