Western Times News

Gujarati News

રાજયમાં રાત્રી કરફ્યૂ ૧૫ દિવસ માટે લંબાવવાનો સરકારે ર્નિણય લીધો

Files photo

ગાંધીનગર: રાજયમા કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમા લેવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે સંક્રમણને રોકવા માટે રાજ્યના ચાર મહાનગરપાલિકામાં કેસોમાં વધારો ધ્યાને લેતા રાત્રી કરફ્યૂ ૧૫ દિવસ માટે લંબાવવાનો રાજય સરકારે ર્નિણય લીધો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલ મહત્વના ર્નિણયોની વિગતો આપતા રાજયના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજયમાં સર્વેલંસ અને ધનવંતરી રથની કામગીરી સઘન બનાવવમાં આવશે.

બેઠકમાં કોરોના સંક્રમણ અટકાવવા ઘનિષ્ટ સર્વેલંસ કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રીનીગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ કોવિડ વેક્સિનેશન કામગીરીની સમીક્ષા કરી વેક્સિનેશન ઝડપથી પુર્ણ થાય તે અંગે સુચનાઓ પણ આપવામા આવી છે. ડૉ. જયંતી રવિએ ઉમેર્યુ હતું કે, મુખ્યમંત્રી દ્વારા કોર કમીટીના સભ્યો સાથે કોરોના કેસોની જિલ્લા/કોર્પોરેશન વાઇઝ સમીક્ષા કરવામાં આવી હતી અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં કેસો વધતા રાત્રી કર્ફ્‌યૂ ૧૫ દિવસ લંબાવવા અંગેનો ર્નિણય કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં કોવિડ-૧૯ રસીકરણ, ફેઝ-૨ માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ ૧૦૪ કોરોના સંક્રમણ તેમજ કોવિડ-૧૯ રસીકરણ કોલ સેન્ટર તથા તમામ જિલ્લા/કોર્પોરેશનમાં રસીકરણ માટે કોલ સેન્ટર દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરીને કામગીરી વધુ સઘન કરવા પણ સૂચનાઓ અપાઇ હતી.

આગામી સમયમાં રાજયના નાગરિકોને કોવિડ-૧૯ રસી અંગે અને રસીકરણ બાદની આડ અસર અંગે મુંઝવતા પ્રશ્નો વિશે નિષ્ણાંતો દ્વારા માહિતગાર કરવા નિષ્ણાંતો સાથે ચર્ચા કરી સઘન કામગીરી કરાશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીની સામે પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા કોવિડ-૧૯ની રસી કોવિશિલ્ડના ૧૫.૭૦ લાખ જેટલા ડોઝ, જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિન રસીના ૪.૮૬ લાખ જેટલા ડોઝ પ્રાપ્ત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.