“રાજયોગમાં ભારતના વડાપ્રધાનનો શપથવિધિનો શુભારંભ યોજાયો !!”
“…. પણ મુહૂર્ત.. ચોઘડિયું…. કુંડળી એ રાજકારણનું સત્ય છે !!!” “અનુમાન એક વસ્તુ છે.. જ્યારે એજ બાબતે આધારિત રહેવું એ જાખમી અભિગમ છે !!” : “આપણાં દેશમાં અંધશ્રધ્ધા, વહેમો અને જ્યોતિષ આધારીત બાબતોનો અત્યંત અતિરેક થઈ ગયો છે ! જ્યોતિષ, વહેમ અને અંધશ્રધ્ધાની ભૂમિતિ તરત સમજાઈ જાય એવું સરળ નથી ! ” |
“તાઃ- ૩૦-પ-ર૦૧૯, વારઃ ગુરુવાર અખબારો માટે, જનતા માટે, રાજકીય નિરીક્ષકો માટૈ- હિંદુસ્તાન માટે વિશિષ્ટ બની રહયો ! સાંજે સૂર્યાસ્તનાં ર૪ મિનિટ પહેલાં, ગોધૂલિનો સમય જે ૬ વાગ્યાથી ૭ કલાક ૧ર મિનિટ સુધી શુભ ચોઘડિયાનો હતો- તે સમયે રાજયોગ પણ હતો… અને ભારતના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ રાજયોગમાં શપથવિધિનો શુભારંભ યોજાયો !!
શુભ- અશુભનું ચક્કર એક એવી ભૂલભૂલામણી છે કે એમાં ખોવાઈ જાઓ તો બહાર નીકળવું મુશકેલ થઈ જાય છે. જ્યોતિષમાં આંધળો વિશ્વાસ એ એક પ્રકારની ભીરુ અંધશ્રધ્ધા છે. આ એટલા માટે લખુ છું કે દેશના પ્રથમ અને ધ્વીતીય નાગરિકોમાં પણ અંધશ્રધ્ધા છલોછલ ભરેલી છે ? દા.ત. રાષ્ટ્રપતિ ઝૈલ સિંહની અવધિ સમાપ્ત થતી હતી એનાથી અકે દિવસ વધુ લંબાવવામાં આવી હતી ( આ કાયદેસર ગણાય ?)… આનું કારણ ? નવાગંતુક રાષ્ટ્રપતિ વ્યંકટરમણનો આગ્રહ હતો કે અમુક જ શુભ દિવસે એમની શપથવિધિ થાય ! એ કાળી શેરવાણી પહેરીને શપથગ્રહણ કરવા આવ્યા હતા…
કારણ ?… એમના જ્યોતિષીઓએ ખાસ સલાહ આપી હતી કે આ શુભદિને કાળું જ પહેરવું કે જેથી વિનાશક તત્વોનો નાશ થશે ! એ પછી બીજા મહાન નાગરિક અને ભારતના ઉપરાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા આવ્યા. એ મહાશય ર૧ ઓગષ્ટ- ૧૯૮૭ને દિવસે ચૂંટાયા- પછી એમણે શુભ દિવસની રાહ જાઈ અને છેવટે એક શુભ દિવસ નીકળ્યો તે સપ્ટેમ્બર-૩, ૧૯૮૭ !!!! એટલે આ મહોદય ૧૪ દિવસ સુધી એમના સિંહાસન પર અસીન થયા નહીં !! મને લાગે છે કે જગતના કોઈ પણ આધુનિક દેશમાં આવું બવન્ડર ચાલતું નથી ! જે લોકો મનથી જ આટલા બધા કમજાર હોય એમના હાથોમાં સત્તાની ધુરા કેટલી સલામત રહી શકે ?… પણ મુહૂર્ત.. ચોઘડિયું … કુંડળી એ રાજકારણનું સત્ય છે !! મને વિચાર આવે છે કે દ્રોપદી પાંચ પાંડવોને પરણી ત્યારે ૬ કુંડળીઓ જાવામાં આવી હતી ? રામ અને સીતાની જન્મ કુંડળી મેળવી હશે ! રામના રાજ્યાભિષેકનું મુહૂર્ત વશિષ્ઠ ઋષિએ કાઢ્યું હતું ? જે રાજ્યાભિષેક થયો જ નહીં- સીતા અને રામનું લગ્નજીવન સુખી હતું કે દુઃખી ? જ્યોતિષ કરતાં પણ વધારે જટિલ પ્રશ્ન છે અંધશ્રધ્ધાનો, વહેમનો, સુપસ્ટિશનનો, પૂર્વગ્રહનો !
જ્યોતિષ આધારીત વહેમ આપણે ત્યાં જ છે એવું નથી ! જાપાનમાં ચારનો આંકડો અશુભ છે. ચારના આંકડાને મૃત્યુનો આંકડો મનાય છે ! પરીક્ષાનો નંબર કે ટેલિફોન / મોબાઈલ નંબર ચારથી શરૂ થતો હોય તો લોકોને ગમતો નથી. ભારતમાં સાતનો આંકડો શુભ છે પણ ત્રણનો જરા અશુભ ગણાય છે ! સારા કામે જતી વખતે ત્રણ માણસોએ જવું નહીં એ માન્યતા છે ! દરેક દેશમાં શુભ- અશુભના ખ્યાલ જુદાજુદા છે ! આપણે ત્યાં શોકમાં સફેદ કપડાં પહેરવાનો રિવાજ છે ! પશ્ચિમમાં શોક માટે કાળાં કપડાં પહેરાય છે !
ફ્રાંસમાં સૌથી ફેશનેબલ રંગમાં કાળો રંગ શ્રેષ્ઠ છે. તમે ઉભા હો અને વૃક્ષ ઉપર બેઠેલું અથવા હવામાં ઉડતું કબૂતર ચરકે અને તમારા માથા ઉપર પડે તો શુકન કહેવાય ! બહાર નીકળતી વખતે ઉંધી હથેળીને નાક પાસે લઈ જવાની અને શ્વાસ એ ઉંધી હથેળીની ઉપર બહાર કાઢવાનો કે જેથી ખબર પડે કે કયા નસકોરામાંથી ઉચ્છ્વાસ નીકળે છે ! બસ ડાબા નસકોરામાંથી શ્વાસ નીકળે તો બહાર નીકળતાં પ્રથમ ડાબો પગ ઉપાડવો અને જમણાં નસકોરામાંથી શ્વાસ નીકળતો હોય તો પ્રથમ જમણો પગ ઉઠાવીને મૂકવો ! જ્યોતિષ- વહેમ- અંધશ્રધ્ધાની ભૂમિતિ તરત સમજાઈ જાય એવું સરળ નથી !
નાના હતાં ત્યારે પગ હલાવતા હતા અને વડીલો કહેતાં પગ નહીં હલાવવાના, મા મરી જાય ! વરસાદ નથી, વરસાદ ઓછો થતો જાય છે, દુકાળની સ્થિતિ છે તો આપણે હોમ હવન કરીને વરુણ દેવતાને પ્રસન્ન કરવામાંથી પરવારતા જ નથી ! એ વિષે દેશના બુદ્ધિમાનોએ ભેગા થઈને દૂરગામી આયોજન માટે સુઝાવ આપવા પડશે !
વરસાદ જાઈએ છે એ માટેના પ્રશ્નને બુદ્ધિ, વિજ્ઞાન અને શ્રમથી સમજવો પડશે ! આપણે એકવીસમી સદીમાં જઈ રહયાં છીએ ત્યારે સાથે આપણા આવા વહેમો ને, જ્યોતિષ આધરીત ક્રિયાકાંડને પણ શું સાચવીને લઈ જવાના છીએ? આપણાં દેશમાં અંધશ્રધ્ધા, વહેમો અને જ્યોતિષ આધારીત બાબતોનો અત્યંત અતિરેક થઈ ગયો છે ! અનુમાન એક વસ્તુ છે જયારે એ જ બાબતે આધારિત રહેવું એ જાખમી અભિગમ છે ! ઓસ્ટ્રેલિયામાં કહેવાય છે કે તમે ચીનાને અડો તો ખુશ કિસ્મતી કહેવાય ! એક ચીની સ્ત્રીએ એના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું વર્ણન લખતાં ઓસ્ટ્રેલિયામાં એનાં પર શું વીતી હતી એ વિષે બહુ દર્દનાક વર્ણન આપ્યું હતું !
અમદાવાદનો કોઈ મહાજોષી જાહેર કરે કે આવતી પૂર્ણિમા સુધીમાં તમે જો નવરંગપુરામાં પંજાબી ડ્રેસ પહેરેલી એકસો એક છોકરીઓને નહીં અડો તો તમારા પરિવારમાં કંઈક ભયંકર અશુભ થશે !…. તો પછી નથી લાગતું કે ઘણા બધાં અમદાવાદીઓ ઓસ્ટ્રેલિયન બની જાય. તાજેતરમાં અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈંન્ડીયામાં આરતી ટીકુ સિંઘે- સુભાષકાકા કે જેઓ ઓકલાહોમા રાજયની યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગના પ્રોફેસર છે
તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીની વડાપ્રધાનની સલાહકાર સમિતિના સભ્ય પણ છે- તેમનો ઈન્ટરવ્યુ આવેલો. ઘણા બધાં પ્રશ્નો આરતી સિંઘે પૂછ્યા તેમાનો એક પ્રશ્ન હતોઃ- “ભારત અંધશ્રધ્ધા અને વહેમોમાંથી ક્યારે બહાર આવશે ? સુભાષ કાકે જવાબ આપેલોઃ ‘અલબત્ત ભારત અન્ય દેશોની જેમ જ છે આ બાબતોમાં… પણ અહિં અંધશ્રધ્ધા અને વહેમોની ભરમાર અતિશય પ્રસરી ગઈ છે અને વાસ્તવિકતાના આવનારા સાચા સંકેતો કરતાં આવી માન્યતાઓના સંકેતોની ધારણા અતિશય છે- ખૂબ જોખમી છે !”
આ માટે તો લાગે છે કે કોઈ વહેમ- વૈજ્ઞાનિક જ આ વિષે આપણને જ્ઞાન આપી શકે ! દેશમાં જેને જે રીતે ગમ્યું છે એ રીતે શુકન- અપશુકન, શુભ યોગ- અશુભ યોગનું ગણિત ગોઠવવામાં આવ્યું છે એક ગીતની કડી યાદ આવે છે… “શુકન જાઈને સાંચરજા રે… સામે મળિયો છે જાષીડો રે…!!!”
ખિડકીઃ જ્યોતિષ કદાચ આપણને એક એવો દિવસ બતાવશે જ્યારે દેશની ધરતીના રક્ષણ માટે સેના મોકલતી વખતે પણ આપણે ગ્રહો અને કુંડળીઓ અને મુહૂર્તો અને ચોઘડીયા જાવા બેસીશું !!
સ્ફોટકઃ રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ સમારંભ પ્રસંગે ૮૦૦૦ હજાર આમંત્રિતો માટે ફળફળાદિ, શરબત, સેન્ડવીચ, સમોસા અને રાજભોગ જ્યારે વિશિષ્ટ ૩પ વીવીઆઈપી વ્યક્તિઓ માટે રાત્રિભોજનમાં શાકાહારી અને માંસાહારી ભોજનની મિજલસ યોજાઈ હતી જેમાં દાળ રઈસીના (મને આ દાળ કેવી હોય તેની જાણ નથી) આ ભોજનમાં વિશિષ્ટ હતી ! કેવો જબરો વટ પડી ગયો હશે આપણા ગરીબ દેશ ભારતનો !!!!