રાજય મધ્યસ્થ ગ્રંથાલય, સેક્ટર-૧૭ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) ગાંધીનગર, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમજ આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે રાજય મધ્યસ્થ ગ્રંથાલય, ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ ઉજવણીનો હેતુ ગુજરાતમાં પણ મહિલાઓને પુરુષ સમોવડીય સ્થાન મળે તેમજ વિશ્વ મહિલા દિવસની ઉજવણીને સાર્થક કરવા માટે આ સંસ્થા ખાતે સ્પીપાના મહિલા વ્યાખ્યાતા તેજલબેન કંડોરીયાએ હાજર રહી મહિલાઓને ભારતના બંધારણની સમાનતા, ન્યાય, સ્વતંત્રતાના મૂલ્યોને ધ્યાનમાં રાખી
સામાજિક વ્યવસ્થામાં મહિલાઓનું રક્ષણ અને મહિલાઓના ઉત્કર્ષ તેમજ સમાજમાં તેમને સમાન સ્થાન પ્રાપ્ત થાય તથા મહિલાઓ પુરુષ સમોવડી બને અને તેમને વિવિધ અધિકારો મળે તે અંગેનું વ્યાખ્યાન રજુ કરવામાં આવ્યું હતું. તેમજ વ્યાખ્યાતા
ડૉ. સ્વપ્નિલભાઈ મહેતાએ મહિલાઓ પોતાના હક માટે જાગૃત બને અને મહિલાઓને અન્યાય ન થાય તે માટે જાગૃત થવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહિલાઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે.મહિલાઓ પણ ભારતની આઝાદીની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના બલિદાનની તથા ભારતના ઇતિહાસમાં પણ નોંધપાત્ર રહી છે.
આ કાર્યક્રમમાં ગ્રંથાલય નિયામક ડૉ. પંકજભાઈ ગોસ્વામીએ પણ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રૂપરેખા આપેલ અને મહિલાઓને નારીશક્તિ અંગેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ પ્રસંગે મદદનીશ ગ્રંથાલય નિયામક જે.એમ.લેઉવા, ગ્રંથપાલ ગોવિંદભાઈ રાવળ અને મદદનીશ ગ્રંથપાલ ચંપાબેન પરમાર હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી કાર્યક્રમ નિહાળેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજય મધ્યસ્થ ગ્રંથાલય, ગાંધીનગરના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી