રાજસ્થાનઃ પૂરપાટ ઝડપે કારની ટક્કરે પતિ-પત્ની હવામાં ફંગોળાયાંઃ પતિનું મોત

નાગૌર, રાજસ્થાનના નાગૌરમાં પૂરપાટ જઈ રહેલી એક સ્કોર્પિયોએ બાઇકસવાર યુગલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. કોતવાલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેમને JLN હોસ્પિટલ ખસેડ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન પતિનું મોત નીપજ્યું હતું. નાગૌરના રહેવાસી દંપતી બાઇક પર મુંડવા જઈ રહ્યું હતું. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે.
આ ઘટના બુધવારે સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, નાગૌરના બદલી રોડના રહેવાસી કોજારામ (30) અને તેની પત્ની પપ્પુડી (28) બાઇક પર મુંડવા તરફ જઈ રહ્યાં હતા. તેઓ શહેરની બહાર નીકળ્યાં કે તરત જ અજમેર તરફથી રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયોએ તેમને ઉડાવી દીધાં હતાં.
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ દંપતી હવામાં ફંગોળાઈ ગયું હતું. અકસ્માતમાં પતિ હવામાં 10 ફૂટ ઊછળીને રોડ પર પટકાયો હતો, જ્યારે પત્ની પણ પસાર થઈ રહેલી ટ્રક પાસે પટકાઈ હતી, જ્યારે બાઇક સ્લિપ થતાં ટ્રક સાથે અથડાઈ હતી. સ્કોર્પિયો પણ રસ્તા પરથી નીચે ઊતરી ગઈ હતી. થોડીક સેકન્ડની આ દર્દનાક દુર્ઘટના નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે અકસ્માતનો ભોગ બનેલા કોજારામે પણ બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્કોર્પિયોની સ્પીડને કારણે તેઓ અકસ્માતથી બચી શક્યા નહોતા.
કોતવાલી પોલીસે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પતિ-પત્નીને જેએલએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જ્યાં સારવાર દરમિયાન કોજારામનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં સ્કોર્પિયોનો ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.