રાજસ્થાનથી દારૂ ભરેલી ફોર્ચ્યુનર બોપલ સુધી પહોંચી હતીઃ થાર 100 ફૂટ ફંગોળાઈ
પાંચ જિલ્લાની પોલીસ રસ્તા પર હતી તેમ છતાં દારૂ ભરેલી કાર બોપલ સુધી પહોંચી ગઈ તે પણ ગુજરાત પોલીસના માથે કલંક સમાન છે.
ફોર્ચ્યુનરની ટક્કરથી થાર જીપ દૂર સુધી ફંગોળાઈ -દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારે સર્જેલો અકસ્માતઃ ત્રણનાં મોત
અમદાવાદ, ‘ઝડપની મજા એટલે મોતની સજા’ આ કહેવતને પુરવાર કરતી એક ચોંકાવનારી ઘટના બોપલના વકીલ સાહેબબ્રિજ પાસે વહેલી પરોઢે બની છે. પૂરઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કારે થારને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા હોત થયા હતા. જ્યારે ફોર્ચ્યુનર કારમાં બેઠેલો યુવક ઈજાગ્રસ્ત થયો હતો.
આંખના પલકારમાં ફોર્ચ્યુનરની ટક્કરથી થાર ૧૦૦ ફૂટ દૂર ફંગોળાઈને પડી હતી. કમકમાટીભર્યા આ અકસ્માતમાં એક ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ફોર્ચ્યુનરનો ડ્રાઈવર દારૂની ખેપ મારી રહ્યો હતો. ફોર્ચ્યુનરમાંથી દારૂની પેટીઓ મળી આવી છે જેને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આજે વહેલી પરોઢના સાડા પાંચ વાગ્યાની આસપાસ વૈષ્ણોદેવીથી પૂરઝડપે એક સફેદ કલરની ફોર્ચ્યુનર કાર બોપલ તરફ જઈ રહી હતી.
થારને ઉડાવનારી આ ફોર્ચ્યુનર રાજસ્થાનના સાંચોરથી દારૂ ભરીને આવી રહી હતી, ત્યારે એક અંદાજ પ્રમાણે તેને બોપલ સુધી આવતા અંદાજે 246 કિલો મીટરનું અંતર કાપવું પડ્યું હતું. રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘૂસ્યા બાદ આ આખા માર્ગમાં પાંચ ટોલ બૂથ આવે છે. પરંતુ દારૂ ભરેલી ફોર્ચ્યુનર આ પાંચેય ટોલબૂથ વટાવીને સાંગોપાંગ નીકળી ગઈ.
માત્ર એટલું જ નહીં પાંચ જિલ્લાની પોલીસ રસ્તા પર હતી તેમ છતાં દારૂ ભરેલી કાર બોપલ સુધી પહોંચી ગઈ હતી. થારને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો છે.બોપલ ખાતે આવેલા શીલજથી વકીલ સાહેબ બ્રિજ જવાના રોડ ઉપર ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. પોલીસના સૂત્રના જણાવ્યા અનુસાર ફોર્ચ્યુનર પૂરઝડપે વકીલ સાહેબબ્રિજ તરફ જઈ રહી હતી
ત્યારે એક થાર બ્રિજ ઉતરીને સર્કલ પરથી યુ-ટર્ન મારી રહી હતી. યુ-ટર્ન મારતાની સાથે જ ફોર્ચ્યુનરના ચાલકે થારને ટક્કર મારી હતી. ધડાકાભેર બે કાર અથડાતા ૧૦૦ ફૂટ દૂર જઈને પડી હતી જ્યારે ફોર્ચ્યુનર ર૦ ફૂટ સુધી ઘસડાઈ હતી. ફોર્ચ્યુનર થારને ટક્કર માર્યા બાદ ટેન્કર સાથે પણ અથડાઈ હતી. જેથી તેનું ટાયર ફસાઈ ગયું હતું. વહેલી પરોઢે થયેલા આ અકસ્માતમાં થારમાં બેટેલા બે લોકોનાં મોત થયા છે.
જ્યારે ફોર્ચ્યુનરમાં બેઠેલી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ફોર્ચ્યુનરચાલક રાજુરામ બિસ્નોઈને સામાન્ય ઈજા પહોંચી છે. રાજુરામ બિસ્નોઈને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યરે સરખેજ પોલીસ તેમજ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર આર.કે.ધૂલિયાએ જણાવ્યું છે કે દારૂ ભરેલી ફોર્ચ્યુનરના ચાલકે થારને ટક્કર મારી છે. આ અકસ્માતમાં ત્રણના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિક ઘાયલ છે. રાજુરામ બિસ્નોઈ રાજસ્થાનથી દારૂ ભરીને લાવતો હોવાનું પણ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ અજિત કાઠીને દારૂના જથ્થા સાથે ઝડપી ના લે તે માટે પૂરઝડપે વાહન ચલાવી રહ્યો હતો.
વકીલ સાહેબબ્રિજ નજીક થારચાલકે એકદમ યુ-ટર્ન મારતા અજિતને બ્રેક મારવાનો મોકો મળ્યો નહીં. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. અજિત સંખ્યાંબધ દારૂની બોટલો ભરીને આવી રહ્યો હતો.
વહેલી પરોઢે થયેલા અકસ્માતથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જેથી પોલીસ ટીમને ક્રેનની મદદ લેવી પડી હતી. પોલીસે ક્રેનની મદદ લઈને રસ્તા વચ્ચોવચ્ચ પડેલી ફોર્ચ્યુનર કારને સર્વિસ રોડ ઉપર મૂકી હતી. સરખેજ પોલીસની ટીમ રાજુરામ બિસ્નોઈની પૂછપરછ કરશે અને તે દારૂનો જથ્થો ક્યાંથી લાવતો હતો
અને કોને આપવાનો હતો તે મામલે તમામ વિગતો ભેગી કરશે. ફોર્ચ્યુનરમાં કેટલો દારૂનો જથ્થો હતો તે મામલે પણ પોલીસ અજિતની પૂછપરછ કરશે. ફોર્ચ્યુનર કાર આખી દારૂથી ભરેલી હતી જેથી રાજુરામ બિસ્નોઈ ખેપ મારતો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
એરબેગ પણ યુવકોને ના બચાવી શકી
ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી ભયંકર હતી કે થાર હવામાં ફંગોળાઈને પડી હતી. અકસ્માત થતાંની સાથે જ ફોર્ચ્યુનર અને થારની એરબેગ ખુલી ગઈ હતી પરંતુ કમનસીબી એ કે તે યુવકોને બચાવી ના શકી. થારમાં બે એરબેગ ખુલી હતી તેમ છતાં તેમાં બેઠેલા બન્નેના મોત થયા હતા જ્યારે ફોર્ચ્યુનરમાં પણ બે એરબેગ ખુલી ગઈ હતી જેમાં પણ એકનું મોત થયું છે.