રાજસ્થાનના ખનીજ માફિયાને ભારે પાડી ધમકી: જેલના સળિયા પાછળ ધકેલાયો
અરવલ્લી રોયલ્ટી ઇન્સ્પેકટરને જાન થી મારી નાખવાની ધમકી આપવી
અરવલ્લી જીલ્લા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ધવલ સતપુતે અને તેમની ટીમે મોડાસા શહેરની દેવરાજ ચોકડી નજીકથી ઓવરલોડ રેતી ભરી પસાર થતા ટ્રકને ઝડપી લઇ ટ્રકના વજન કરાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે રાજસ્થાનનો ખનીજ માફિયા અને ટ્રક માલિક ભાવેશ રમણલાલ કલાલ ફોર્ચ્યુનર ગાડી લઇ ઘટનાસ્થળે પહોંચી ટ્રક છોડી દેવા માથાકૂટ કરી રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે ગેરવર્તણુક અને ધક્કામુકી કરી અટકાવાયેલ ખનીજ ભરેલ ટ્રક ખાણ ખનીજ ટીમને અડફેટે લઈ ભગાડી જવાઈ હતી.
મેઘરજ-ઉન્ડવા માર્ગે પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈ ઉભેલા આરોપીએ સરકારી ગાડી ને લાત મારી રોયલ્ટી ઈન્સ્પેકટર ને અમદાવાદ જતાં રસ્તા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ખનીજ માફિયાની ધમકીથી ફફડી ઉઠેલ રોયલ્ટી ઇન્સ્પેકટરે સમગ્ર ઘટના અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ખનીજ માફિયા અને ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
મોડાસા ટાઉન પોલીસે શખ્શો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ટાઉન પોલીસે બાતમીના આધારે રાજસ્થાનના ખનીજ માફિયા ભાવેશ રમણલાલ કલાલને મોડાસા બાયપાસ પરથી ફોર્ચ્યુનર કાર સાથે દબોચી લીધો હતો અને ટ્રક પણ ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી જીલ્લા રોયલ્ટી ઇન્સ્પેકટર ધવલ સતપુતેને જાનથી મારી નાખવાની ધમકી આપનાર રાજસ્થાન સીમલવાડાના રાસ્તા-પાલનો ખનીજ માફિયા ભાવેશ રમણલાલ કલાલ બિંદાસ્ત અરવલ્લી જિલ્લામાં ફોર્ચ્યુનર ગાડી સાથે ફરતો હોવાનો અને ગેરકાયદેસર ખનીજ ભરેલી ટ્રક જીલ્લાના માર્ગો પરથી બેખોફ બની પસાર કરાવતો
હોવાની સાથે ખનિજતંત્ર અને પોલીસને ચેલેન્જ આપી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ વાઘેલા અને પીએસઆઇ પી.ડી રાઠોડને બાતમી મળી હતી કે ખનીજ માફિયા ભાવેશ કલાલ મોડાસા બાયપાસ પરથી પસાર થવાનો છે
તાબડતોડ પોલીસે સર્વોદય નગર વિસ્તારમાં નાકાબંધી કરી ફોર્ચ્યુનર કારમાં આવી રહેલા ખનીજ માફિયા ભાવેશ કલાલ અને ટ્રકને નાકાબંધી કરી ઝડપી લઈ ૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો પોલીસતંત્રની કામગીરીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો
શું હતો સમગ્ર મામલો વાંચો
અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રીના આદેશને પગલે ટીમ દ્વારા જાહેર માર્ગે વાહન ચેકીંગ હાથ ધરાયું હતું.મંગળવારની મોડી સાંજે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર ધવલ સતપુતે સહિત ની ટીમ દ્વારા મોડાસા બાયપાસ માર્ગની દેવરાજ ચોકડી પાસે વાહન ચેકીંગ હાથ ધરાઈ રહયું હતું.તે સમયે માર્ગ પર થી પસાર થઈ રહેલ ટ્રક નં.જીજે.૩૧.ટી ૭૩૫૦ ને અટકાવી તપાસ હાથ ધરાઈ હતી.
ચેકીંગ દરમ્યાન રોયલ્ટી ઈન્સ્પેકટર ને રોયલ્ટી પાસમાં દર્શાવેલ ૨૪ મે.ટન સાદી રેતી ને બદલે આ ૧૨ ટાયર ટ્રકમાં અંદાજે ૩૦ મેટ્રિક ટન ઓવરલોડ રેતી હોવાનું જણાતાં આ ફરજ પરના અધિકારીએ ચાલક કમલેશભાઈ પાસે વજનકાંટા પાવતી માંગી હતી. પરંતુ ચાલક પાસે કાંટા પાવતી જ ન હોવાનું જણાઈ આવ્યું હતું.
આ ટ્રકને વજન માટે વજનકાંટા ઉપર લઈ જવાનું ફરજ પરના અધિકારી દ્વરા જણાવાતાં સ્થળ ઉપર આવી ચડેલા આ ટ્રકના માલીક ભાવેશભાઈ કલાલ (રહે. સીમલવાડા) એ સરકારી અધિકારી સાથે ગેરવર્તણુંક કરી,બળ પ્રયોગ દ્વારા રોયલ્ટી ઈન્સ્પેકટર ને ટાયર નીચે ખેંચી લાવવાનો પ્રયત્ન કરેલ અને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.
પોતાના પ્રયાશમાં નાકામિયાબ રહેલ આ આરોપીઓ સરકારી કામમાં રૂકાવટ કરી તપાસ ટીમ સાથે ધક્કામૂકી કરી વાહન ટ્રક પુરઝડપે ભગાડી ગયા હતા.આમ ફરજ પર ના સરકારી અધિકારી સહિત ટીમ ઉપર હિંચકારો હુમલો કરનાર પરપ્રાંતીય બેફામ બનેલા ભૂમાફીયા ઓ સામે ટાઉન પોલીસ સ્ટેશન માં રોયલ્ટી ઈન્સ્પેકટર ધવલ સતપુત દ્વારા ફરીયાદ નોંધાવાઈ હતી.
આ ચકચારી હુમલા પ્રકરણે પોલીસે આરોપી ટ્રક માલીક ભાવેશભાઈ કલાલ રહે.સિમલવાડા, જિ.ડુંગરપુર(રાજસ્થાન) અને ટ્રક નં.જીજે.૩૧.ટી.૭૩૫૦ ના ચાલક કમલેશ રહે. સિમલવાડા વિરૂધ્ધ ધ માઈન્સ એન્ડ મીનરલ્સ ડેવલોપમેન્ટ રેગ્યુલેટી અધિનિયમ તેમજ ગુજરાત ખનીજ ખાણ અને હેરફેર સંગ્રહ નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભૂમાફીયાઓનું પણ ગ્રુપ નામ અલગ-અલગ
અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી-કર્મી ઉપર હીંચકારો હુમલો કરનાર પરપ્રાંતના ભૂમાફીયાએ સોશીયલ મીડીયામાં ભૂમાફીયા ગુ્રપમાં એક વીડીયો વાયરલ કર્યો હોવાનું પણ પોલીસ ફરીયાદમાં જણાવાયું છે.
અને આ ભૂમાફીયા એ પોતે સીમલવાડા એરીયાનો ડોન હોવાનું અને અમારી ગાડી કયારે પણ પકડશો તો મજા નહી આવે એમ જણાવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.આ વીડીયો ભૂમાફીયાના વોટસએપ ગુ્રપ કે જે અરવલ્લી ના નામે ચાલે છે તેમાં વાયરલ કરાયો હોવાનું ફરીયાદમાં જણાવાયું છે.અને આ વીડીયો આરોપીએ જાતે શેર કર્યો હોવાનું મનાય છે.
મેઘરજ-ઉન્ડવા માર્ગે ભૂમાફીયાની ધમકી : અમદાવાદ જતાં રસ્તા ઉપર ઉડાવી દઈશ
મોડાસાના બાજકોટ ચોકડીએ અટકાવાયેલ ખનીજ ભરેલ ટ્રક ખાણ ખનીજ ટીમને અડફેટે લઈ ભગાડી જવાઈ હતી.અને મેઘરજ-ઉન્ડવા માર્ગે પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈ ઉભેલા આરોપી એ સરકારી ગાડી ને લાત મારી રોયલ્ટી ઈન્સ્પેકટર ને અમદાવાદ જતાં રસ્તા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.