રાજસ્થાનના બુંદીમાં જાનૈયા ભરેલી બસ નદીમાં ખાબકતાં 24નાં મોત

બુંદી, રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. જાનની બસ નદીમાં પડતાં આ દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જાનની બસના ચાલકે નિયંત્રણ ગુમાવી દેતા બસ નદીમાં ખાબકી હોવાનું માનવામાં આવે છે. રાસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે આ કરૂણ ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો છે.
સૂત્રો પાસેથી અત્યાર સુધીમાં પ્રાપ્ત વિગતો મુજબ બુધવારના કોટાથી લગભગ 28 લોકોને લઈને જાનની બસ સવાઈમાધોપુર જઈ રહી હતી. રસ્તામાં બુંદી જિલ્લાના લખેરીમાં પાપડી ગામ નજીક એક પુલ પર સવારે 10 કલાકે બસના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ મેજ નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો મદદ માટે ઘટનાસ્થળે દોડી ગદયા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને રાહત તેમજ બચાવ ટુકડી પણ આવી પહોંચી હતી.
તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ 24 લોકોના અકસ્માતમાં મોત થયા છે. લખેરીના સબ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર કુમારે જણાવ્યું કે 13 લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. જ્યારે 10 લોકોએ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ ભર્યા હતા. મૃતકોમાં 10 મહિલાઓ ત્રણ બાળકો સામેલ છે. જે પુલ પર આ દુર્ઘટના ઘટી તેના પર કોઈ રેલિંગ નહીં હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે.