રાજસ્થાનની કોંગ્રેસ સરકારે અદાણીને 1600 હેકટર જમીન ફાળવી
નવી દિલ્હી, જયપુરમાં યોજાયેલી મોંઘવારી વિરોધી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દેશના પીએમ 24 કલાક વિચારતા હોય છે કે, આજે અંબાણી અને અદાણીને શું આપી દઉં. જોકે રાહુલ ગાંધીએ આ બંને ઉદ્યોગપતિઓ પર નિશાન સાધ્યાના ચાર જ દિવસમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકારે અદાણી ગ્રૂપને 1500 મેગાવોટનો સોલર પાર્ક બનાવવા માટે 1600 હેકટર જમીન આપવાનો નિર્ણય લીધો છે.જોકે એ પછી હવે રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના આ પ્રકારના વિરોધાભાસી વલણને લઈને ચર્ચાઓ શરુ થઈ છે.
સોલર પાર્ક માટે અદાણી ગ્રુપ અને રાજસ્થાન સરકારે ભાગીદારી કરી છે.આ માટે એક જોઈન્ટ વેન્ચર કંપની બનાવવામાં આવી છે.આ કંપનીને 1600 હેટકર જમીન આપવામાં આવી છે.જે અલગ અલગ જિલ્લાઓમાં વહેંચાયેલી છે.ગહેલોટ કેબિનેટ દ્વારા બુધવારે પાંચ નિર્ણયો લેવાયા હતા.જેમાં ચાર નિર્ણય જમીન ફાળવવાને લગતા હતા.
રાહુલ ગાંધી છાશવારે સરકાર પર અંબાણી અને અદાણીને ફાયદો કરાવવાના આરોપ લગાવવામાં આવતા હોય છે ત્યારે કોંગ્રેસની કરની અને કથનીમાં દેખાઈ રહેલા ફરકથી સવાલો ઉઠવા સ્વાભાવિક છે.