Western Times News

Gujarati News

રાજસ્થાનની મહિલાના ગળામાં 12 સે.મી.ની લંબાઇનું લોખંડનું તીર ધૂસી ગયુ !

સિવિલ હોસ્પિટલના E.N.T. વિભાગના તબીબોએ ભારે જહેમત બાદ સર્જરી કરીને તીર દૂર કર્યું

મગજને લોંહી પહોંચાડતી મુખ્ય ધમની અને શ્વાસનળી વચ્ચે ફસાયેલા તીરને બહાર કાઢવામાં જીવનું જોખમ પ્રબળ હતું : સિવિલ તબીબોની નિપૂણતાથી દર્દીને નવજીવન મળ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી.વિભાગના તબીબોએ અત્યંત જટીલ સર્જરી પોતાની નિપૂણતાથી પાર પાડીને રાજસ્થાનની મહિલાને નવજીવન આપ્યું છે.

રાજસ્થાન સિરોહી જીલ્લાના 18 વર્ષીય મણીબેન ભીલના પરિવારના આંતરિક ઝધડાના સમાધાન અર્થે વચ્ચે આવતા તેઓને ગળાના ભાગમાં લોખંડનો તીર ધૂસી ગયો હતો.અતિગંભીર ઇજાના કારણે તેઓને પ્રાથમિક સારવાર અર્થે રાજસ્થાનની જ સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. ત્યાંના તબીબોને ઇજા અતિગંભીર જણાઇ આવતા મણીબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સર્જરી અર્થે લઇ જવા કહ્યું.

મણીબેનના પરિવારજનો વિના વિલંબે અમદાવાદ સિવિલ તરફ દોડી આવ્યા. દર્દી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇ.એન.ટી. વિભાગના તબીબો જોડે પહોંચતા તબીબોએ ઇજાની ગંભીરતાનો તાગ મેળવવા એકસ-રે કરાવ્યો. જેમાં લોખંડનું તીર અંદાજે  12 સે.મી.નુ જણાયું.

ગળાના ભાગમાં તીરનું સ્થાન જોતા ટ્રેકીયા એટલે કે શ્વાસનળી અને મગજના ભાગમાં લોહી પહોંચાડતી મુખ્ય ધમની (કેરોટીડ આર્ટરી) ની વચ્ચે તીર ફસાયેલો હોવાનું જણાઇ આવ્યું.

ઇ.એન.ટી. વિભાગના તબીબોના જણાવ્યાનુસાર તીરનું સ્થાન જોતા સર્જરી દરમિયાન 1 મી.મી.ની પણ ચૂક થઇ જાય તો શરીર લકવાગ્રસ્ત થઇ જવાની અથવા જીવ ગુમાવવાની પણ સંભાવનાઓ પ્રબળ રહેલી હતી.

આ તમામ પરિબળોને ધ્યાને રાખીને એનેસ્થેસિયા વિભાગનું સર્જરી માટે ફીટનેસ સર્ટી મળતા ઇ.એન.ટી. વિભાગના સિનિયર તબીબ ડૉ. બેલા પ્રજાપતિ, ડૉ. દેવાંગ ગુપ્તા અને ડૉ. એષા દેસાઇની ટીમે સર્જરી હાથ ધરી. સર્જરી દરમિયાન સતત ન્યુરો મોનીટરીંગ કરીને તકેદારી પૂર્વક સર્જરી હાથ ધરી. 2 થી 2.5 કલાકની જહેમત બાદ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી.

ઇ.એન.ટી. વિભાગના તબીબ ડૉ. એષા દેસાઇએ જણાવ્યું કે, આ પ્રકારની ફોરેન બોડી એટલે કે બાહ્ય પદાર્થ નું સ્થાન જ્યારે શરીરમાં જોવા મળે છે ત્યારે વહેલી તકે તેનું નિદાન અને સારવાર અથવા સર્જરી કરવી જરૂરી બની રહે છે. આ સમયગાળામાં વિલંબ પહોંચતા ઇજાની ગંભીરતા વધી જાય છે અને મૃત્યુ થવાની સંભાવનાઓ પ્રબળ બની રહે છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને દર્દી જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યું ત્યારે ઝડપી નિદાન કરીને તેની સર્જરી હાથ ધરી. આજે દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને સ્વગૃહે પરત થયું છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોષીએ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા  હરહંમેશ રાજ્ય બહારના દર્દીઓને પણ શ્રેષ્ઠ સારવાર આપી “વસુધૈવ કુટુંબકમ” ના મંત્રને મૂર્તિમંત કર્યો હોવાનું જણાવ્યું હતું. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.