રાજસ્થાનની સામે ચેન્નઈ સુપર કિંગ્સનો ૪૫ રને વિજય

મુંબઈ: બેટ્સમેનોના શાનદાર પ્રદર્શન બાદ મોઈન અલી સહિત બોલર્સે કરેલી અદ્દભુત બોલિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોમવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ૪૫ રને વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-૧૪મા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાને ટોસ જીતીને ચેન્નઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.
ચેન્નઈએ નિર્ધારીત ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૮૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૩ રન જ નોંધાવી શકી હતી. ચેન્નઈ માટે મોઈન અલીએ ત્રણ વિકેટ ઝડપી હતી. ૧૮૯ રનના કપરા લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી રાજસ્થાનની ટીમે શરૂઆત સારી કરી હતી. જાેસ બટલર અને મન વોરાની જાેડીએ ૩૦ રનની ભાગીદારી નોંધાવી હતી. વોરા ૧૪ રન નોંધાવીને આઉટ થયો હતો અને ત્યારબાદ રાજસ્થાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.
જાેકે, જાેસ બટલરે આક્રમક બેટિંગ કરી હતી પરંતુ સામે છેડે તેને યોગ્ય સાથ મળ્યો ન હતો. બટલરે બે સિક્સર અને પાંચ ચોગ્ગાની મદદથી ૪૯ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે કેપ્ટન સંજૂ સેમસન એક રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. શિવમ દૂબે પણ ૧૭ રન જ નોંધાવી શક્યો હતો. રાજસ્થાનના મિડલ ઓર્ડરના બેટ્સમેનો ચેન્નઈના બોલર્સ સામે ટકી શક્યા ન હતા.
આક્રમક બેટ્સમેન ડેવિડ મિલર બે તથા રિયાન પરાગ ત્રણ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. રાહુલ તેવાટીયાએ ૨૦ અને જયદેવ ઉનડકટે ૨૪ રનની ઈનિંગ્સ રમી હતી પરંતુ તે ટીમને પરાજયમાંથી બચાવવા માટે પૂરતી ન હતી. ચેન્નઈ માટે મોઈન અલીએ ત્રણ, રવીન્દ્ર જાડેજા અને સેમ કરને બે-બે તથા શાર્દૂલ ઠાકુર અને ડ્વેઈન બ્રાવોએ એક-એક વિકેટ ઝડપી હતી.
અગાઉ ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસિસે ટીમને સારી શરૂઆત અપાવી હતી. જાેકે, ઋતુરાજ ૧૦ રન નોંધાવીને પેવેલિયન ભેગો થતાં ટીમને પ્રથમ ફટકો પડ્યો હતો. તેણે પ્રથમ વિકેટ માટે ૨૫ રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે ડુપ્લેસિસ આક્રમક બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ તે વધારે જાેખમી બને ત પહેલા ક્રિસ મોરિસે તેને આઉટ કરી દીધો હતો. ડુપ્લેસિસે ૧૭ બોલમાં ૩૩ રન ફટકાર્યા હતા જેમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. ત્યારબાદ મોઈન અલી, સુરેશ રૈના અને અંબાતી રાયડૂએ નાની પરંતુ ઝડપી ઈનિંગ્સ રમી હતી જેના કારણે ટીમની રન રેટ જળવાઈ રહી હતી.