Western Times News

Gujarati News

રાજસ્થાનને હરાવી હૈદરાબાદની પ્લેઓફની આશા જીવંત બની

દુબઈ: મનીષ પાંડે અને વિજય શંકરની શાનદાર અડધી સદીની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે ગુરૂવારે દુબઈમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે આઠ વિકેટે આસાન વિજય નોંધાવ્યો છે. આ વિજય સાથે હૈદરાબાદે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનના પ્લે ઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે.

જ્યારે રાજસ્થાન રોયલ્સની આશા અત્યંત ધૂંધળી બની ગઈ છે. રાજસ્થાન હાલમાં ૧૧ મેચમાં ચાર વિજય સાથે પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સ કરતા એક સ્થાન ઉપર સાતમાં ક્રમે છે. જ્યારે હૈદરાબાદ ૧૦ મેચમાં ચાર વિજય સાથે પાંચમાં ક્રમે છે. રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદ સામે ૧૫૫ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો.

ખરાબ શરૂઆત બાદ મનીષ પાંડે અને વિજય શંકરની ધમાકેદાર બેટિંગની મદદથી હૈદરાબાદે ૧૮.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. મનીષ પાંડે અને વિજય શંકરની જોડીએ ૧૪૦ રનની અતૂટ ભાગીદારી નોંધાવીને હૈદરાબાદનો વિજય એકમદ આસાન બનાવી દીધો હતો. અગાઉ રાજસ્થાને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૫૪ રનનો લક્ષ્યાંક નોંધાવ્યો હતો. ૧૫૫ રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી.

૧૬ રનમાં ટીમે બંને ઓપનર ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટોની વિકેટો ગુમાવી દીધી હતી. વોર્નર ચાર અને બેરસ્ટોએ ૧૦ રન નોંધાવ્યા હતા. જોકે, ત્યારબાદ મનીષ પાંડે અને વિજય શંકરની જોડીએ રાજસ્થાન રોયલ્સના બોલર્સને કોઈ તક આપી ન હતી. તેમણે રાજસ્થાનના બોલર્સની ધોલાઈ કરી હતી અને ટીમને આસાન વિજય અપાવ્યો હતો.

મનીષ પાંડેએ ૪૭ બોલમાં અણનમ ૮૩ રન ફટકાર્યા હતા જેમાં ચાર ચોગ્ગા અને આઠ સિક્સર્સ સામેલ હતી. જ્યારે શંકરે ૫૧ બોલમાં છ ચોગ્ગાની મદદથી ૫૨ રનન અણનમ ઈનિંગ્સ રમી હતી. રાજસ્થાન માટે બંને વિકેટ જોફ્રા આર્ચરે ઝડપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.