રાજસ્થાનમાં કાવડ યાત્રા રદ, ઈદ પર જાહેરમાં પ્રાર્થના કરવાની મનાઈ

જયપુર: કોરોનાવાયરસ મહામારી ના કેસમાં વધારો રોકવા માટે રાજસ્થાન સરકાર દ્વારા કેટલાક કડક નિયંત્રણો ની જાહેરાત કરવામાં આવી છે અને તેને પગલે કાવડ યાત્રા રદ્દ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. એ જ રીતે બકરી ઈદ નિમિત્તે જાહેરમાં કે ખુલ્લા મેદાનોમાં પ્રાર્થના કરવાની મનાઈ કરતો હુકમ જાહેર કરવામાં આવ્યો છે અને તેનું કડક પાલન કરાવવાની અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ચાલી રહી છે અને ત્રીજી લહેર ના સંકેતો મળી રહ્યા હોવાનું નિષ્ણાંતો એ જાહેર કર્યું છે ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થતા લોકોના કેટલાક ધાર્મિક કાર્યક્રમો પર અંકુશ લગાવી દીધો છે.
ગેહલોત સરકાર દ્વારા ગઈકાલે કોરોનાવાયરસ ના સંક્રમણને રોકવા માટે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી અને તેનું કડક પાલન કરવાની જવાબદારી તંત્ર વાહકોને સોંપવામાં આવી છે અને ચારેકોર ચેકિંગ ની કાર્યવાહી ઝડપી બનાવવાની સૂચના આપવામાં આવી છે.
કોઈપણ સ્થળે ધાર્મિક કાર્યક્રમ ના નામે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ શકે નહીં તે માટે વ્યવસ્થા તંત્ર ગોઠવી દેવામાં આવ્યું છે અને બકરી ઈદ નિમિત્તે જાહેરમાં નમાજ પઢવાની અને મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવાની મનાઈ કરી દેવામાં આવી છે.
આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે સખત કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. જે લોકો મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કોરોનાવાઈરસ રોગચાળો હજી સમાપ્ત થયો ન હોવાથી મહારાષ્ટ્રમાં આ વખતે સતત બીજા વર્ષે પણ ગણપતિ ઉત્સવની ઉજવણી અવાજ વગરની બની રહેશે. રાજ્ય સરકારે અનેક માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં એક મુદ્દો ભગવાન ગણપતિની મૂર્તિઓની ઊંચાઈ ઘટાડવાને લગતો છે. ૧૦-દિવસનો ગણેશોત્સવ ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે.