રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ઉથલાવવાનુ કાવતરૂ, ભાજપના નેતાની ધરપકડ
જયપુર, રાજસ્થાનમાં કોંગ્રેસની ગેહલોટ સરકાર ઉથલાવવા માટે ભાજપે કાવતરૂ રચ્યુ હોવાના આક્ષેપ સાથે પોલીસે ભાજપના એક નેતાની ધરપકડ કરી છે.જેના પગલે રાજ્યનો રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે આક્ષેપ કર્યો છે કે, અત્યારે તમામનુ કોરોના સામે લડવામાં ધ્યાન હોવુ જોઈએ.અમે પણ એજ કરી રહ્યા છે પણ ભાજપ સરકાર પાડવાના પ્રયત્નોમાં લાગેલો છે.આવુ વાજપેઈના સમયમાં નહોતુ.હવે તો ધર્મના આધારે ભાગલા પડાવવાના પ્રયત્નો પર ગર્વ મહેસૂસ કરવામાં આવે છે.
દરમિયાન પોલીસે કહ્યુ હતુ કે, હથિયારોની દાણચોરીના મામલામાં બે મોબાઈલ નંબરો પર પોલીસ વોચ રાખી રહી હતી.આ નંબરો પર થયેલી વાતચીતમાં સામે આવ્યુ હતુ કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસની સરકાર પાડી દેવાનુ કાવતરુ રચ્યુ હતુ.આ વાતચીતમાં કોંગ્રેસના ધારાસભ્યોને પાર્ટી છોડવા માટે 25-25 કરોડ રુપિયા ઓફર કરવાની જાણકારી પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા પણ કોંગ્રેસના નેતા મહેશ જોષીએ ભાજપ દ્વારા કોંગ્રેસના બે ધારાસભ્યોને મોટી રકમની લાલચ અપાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.એ પછી મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો.