Western Times News

Gujarati News

રાજસ્થાનમાં કોરોના સંક્રમણની સારવારના દર નિર્ધારિત કરાયા

Files Photo

જયપુર: કોરોના વાયરસની બીજી લહેરમાં દર્દીઓ હાંફી રહ્યા છે, આવામાં હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. દર્દીઓની મજબૂરીનો હોસ્પિટલો ફાયદો ના ઉઠાવે તે માટે રાજસ્થાન સરકાર દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં સરકારે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર અને દવાને લઈને થતાં ગુંચવાડાને દૂર કરવા માટે વધુ એક ર્નિણય લીધો છે.

રાજસ્થાન સરકારે મંગળવારે ખાનગી હોસ્પિટલોમાં કોરોના વાયરસના સંક્રમણની સારવાર માટે સારવારની રકમ નક્કી કરી છે. આ પહેલા ૨૦ જૂને રાજ્યમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર અંગે દર નક્કી કરાયા હતા, પરંતુ તે આદેશ સ્પષ્ટ નહોતો કે કઈ-કઈ દવાઓ કે અન્ય ખર્ચનો તેમાં સમાવેશ કરાયો છે. આ ગુંચવણને દૂર કરવા માટે નવા દર નક્કી કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા નક્કી કરાયેલા દર પ્રમાણે કોરોના સંક્રમણની સામાન્ય સારવાર માટે એનએબીએલની માન્યતા ના મળી હોય તેવી હોસ્પિટલો દરરોજના ૫,૦૦૦ રુપિયા ચાર્જ વસૂલી શકાશે, જેમાં ઓક્સિજન સાથે સજ્જ બેડ્‌સ અને પીપીઈ કિટના ખર્ચનો સમાવેશ કરાયો છે. જ્યારે એનએબીએલની માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં એક દિવસના કોરોનાના દર્દીની સારવારના ૫૫૦૦ રુપિયા ચાર્જ કરી શકશે. સરકારે મંગળવારે જાહેર કરેલા નવા આદેશમાં વિસ્તારથી જણાવ્યું છે કે, નક્કી કરેલી કિંમતોમાં કઈ-કઈ દવાઓ અને તપાસનો સમાવેશ થાય છે.

આ સિવાય ગંભીર અને અતિ ગંભીર દર્દીઓની સારવાર માટે એનએબીએલ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં ૮,૨૫૦ રુપિયા અને ૯,૯૦૦ પ્રતિદિન નક્કી કરાયા છે, જેમાં પીપીઈ કિટની કિંમતનો સમાવેશ કરાયો છે, જ્યારે એનએબીએલની માન્યતા ના મળી હોય તેવી હોસ્પિટલમાં એક દિવસનો ચાર્જ ક્રમશઃ ૭,૫૦૦ અને ૯,૦૦૦ રુપિયા રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.