રાજસ્થાનમાં કોલસાની કમી વચ્ચે વીજ સંકટના એંધાણ !
જયપુર, રાજસ્થાનમાં વીજ કટોકટી ઘેરી બની રહી છે. ગામડાઓ અને શહેરોની સાથે શહેરી વિસ્તારોમાં પણ અઘોષિત વીજ કાપ આવી રહ્યો છે. રાજસ્થાન સરકારને વીજ ખરીદીમાં દરરોજ ૮૦ કરોડનો વધારાનો બોજાે સહન કરવો પડે છે, કારણ કે રાજસ્થાનના સરકારી વીજ પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક ખલાસ થઈ જવાના કારણે ૨૦૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન અટકી ગયું છે.
અહેવાલ છે કે જુલાઈ અને ઓગસ્ટમાં રાજસ્થાન પાવર જનરેશન કંપની કોલ ઇન્ડિયાને ચુકવણી કરી શકી નથી. આ સ્થિતિમાં રાજસ્થાનના પાવર સ્ટેશનોમાં કોલસાનો પૂરતો સ્ટોક રાખી શકાયો નથી. હવે કોલસાની ખાણો પાણીથી ભરાઈ જતા સમસ્યા વધી રહી છે.
એક અંદાજ મુજબ રાજસ્થાનના સરકારી પાવર પ્લાન્ટ્સને દરરોજ ૨૦ રેક કોલસાની જરૂર પડે છે, જ્યારે હાલમાં માત્ર ૧૩ થી ૧૪ રેક કોલસા પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રતિદિન ૧૧ રેકના કરાર છતાં કોલ ઇન્ડિયા માત્ર ૫-૬ રેક કોલસા આપી રહી છે. કોલ ઇન્ડિયાના ૯૦૦ કરોડ અને કેસીએલને લગભગ ૧૭૦૦ કરોડ રૂપિયા બાકી હતા.
સમાચાર છે કે રાજસ્થાન વીજ કટોકટીમાં ખાનગી કંપનીઓએ પીછેહઠ કરી છે અને સાથ આપતી નથી. રાજ્યમાં અદાણી પાવર કંપની, રાજવેસ્ટ અને અન્ય ખાનગી કંપનીઓ પાસેથી ૩૫૦૦ મેગાવોટ વીજળી આપવાનો કરાર છે. સરકાર આ કંપનીઓને નિયત ચાર્જ ચૂકવે છે. કોલસાના અભાવ અને ચુકવણી ન થવાને કારણે આમાંના કેટલાક પ્લાન્ટોએ વીજ પુરવઠો રોકી દીધો છે.HS