રાજસ્થાનમાં ખોદકામ દરમિયાન સોનુ મળી આવ્યુ છે કહી લોકોને છેતરતી ગેંગના બે પકડાયા
તેમના સાગરીતો છેતરપીંડી કરતા જયારે પકડાયેલા બંને વોચ રાખતા હતા
(પ્રતિનિધિ) અમદાવાદ, લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે કહેવતને સાર્થક કરીને સાચા સોનાના બદલે નાગરીકોને ખોટુ સોનું પકડાવી છેતરપીંડી આચરનારા મુળ રાજસ્થાનના બે શખ્સો ક્રાઈમબ્રાંચના હાથે ઝડપાયા છે આરોપીઓ પાસેથી પોલીસે ૯૦ હજારથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ૧પ જુલાઈએ ૧૧ વાગ્યાના સુમારે ચાંદખેડા ગણેશ પાર્ટી પ્લોટ નજીક એક વ્યક્તિને સસ્તામાં સોનું આપવાની લાલચે બે શખ્સોએ અઢી લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હતી એ બનાવમાં સંડોવાયેલા શખ્સો સુભાષબ્રીજ સર્કલ તરફથી પસાર થવાના હોવાની બાતમી પીઆઈ દેસાઈની ટીમને મળી હતી.
જેને આધારે બે મોટરસાયકલ સાથે બિજલ ઉર્ફે બિલ્લા મનારામ પરમાર તથા દરગારામ પ્રાગાજી સાંખલા (બંને રહે. ગાંધીનગર મુળ જાલોર, રાજસ્થાન)ને ઝડપી લેવાયા હતા. પુછપરછ કરતા તેમના અન્ય બે સાગરિત બાબુલાલ ભલાજી વાઘેલા તથા અર્જુન ભલાજી વાઘેલા અમદાવાદ તથા આસપાસના વેપારીઓને રાજસ્થાનમાં ખોદકામ દરમિયાન સોનાનો જથ્થો મળ્યો છે જે સસ્તામાં વેચવો છે સોની પાસે જઈએ તો વિશ્વાસ ન કરીને પોલીસમાં પકડાવી દે એમ કહીને પહેલા સોનાનો મણકો આપતા બાદમાં ખોટી મણકાંની માળા પકડાવી છેતરપીંડી આચરતા હતા એ દરમિયાન બિજલ અને દરગારામ વોચ રાખતા હોવાનું કબુલ્યુ હતું સઘન તપાસમાં ચાંદખેડામાં બનેલો ગુનો ઉપરાંત કાલુપુર નંદાસણ તથા છત્રાલમાં પણ છેતરપીંડી કરી હોવાનું કબુલ્યુ છે બિજલ અગાઉ ચેન્નાઈમાં લુંટના ગુનામાં પકડાઈ ગયેલો છે.