રાજસ્થાનમાં ટેન્ક નીચે દબાઈ જતા આર્મીના જવાનનું મોત
જેસલમેર, રાજસ્થાનના જેસલમેરથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. અહીં સૈન્ય કવાયત દરમિયાન એક સૈનિકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, જવાન લોડિંગ દરમિયાન ટેન્કની નીચે દબાઈ ગયો, જેના કારણે તેનું દર્દનાક મૃત્યુ થયું છે. સૈનિકો લશ્કરી કવાયત કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બીજો એક યુવાન ઘાયલ થયાના સમાચાર પણ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
મળતી માહિતી મુજબ જેસલમેરના રણ વિસ્તારમાં કવાયત ચાલી રહી હતી. આ સમય દરમિયાન, સૈનિકો ટેન્કનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
જાદવ પરમેશ્વર નામનો યુવક લોડ કરતી વખતે ટેંક નીચે દટાઇ ગયો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. મૃતક જવાન મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો રહેવાસી હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં ઘાયલ આરડી દિક્ષિતને જોધપુર રિફર કરવામાં આવ્યો છે.