રાજસ્થાનમાં ભાજપને જીતાડવા આરએસએસ સક્રિય
જયપુર, રાજસ્થાનમાં કનૈયાલાલની હત્યા બાદ ગેહલોત સરકાર પર જબરદસ્ત માછલા ધોવાઈ રહ્યા છે. ગેહલોત સરકાર વિરૂદ્ધ માહોલ ઉભો થયો છે તેનો લાભ ભારતીય જનતા પાર્ટીને મળે તેને માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સક્રિય બન્યો છે. આરએસએસે રાજસ્થાનમાં પ્રાંત પ્રચારકોની બેઠક બોલાવી છે.
આ બેઠક ત્રણ દિવસ સુધી રાજસ્થાનના ઝુન્ઝુનુ શહેરમાં યોજાશે. સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે અને આરએસએસના તમામ ૪૫ પ્રાંત પ્રચારક આ બેઠકમાં ભાગ લેશે. ભાજપના સંગઠન મહાસચિવ બી. એલ. સંતોષ અને શિવપ્રકાશ પણ આ બેઠકમાં સામેલ થશે.
ગુરૂવારથી શરૂ થઈ રહેલી બેઠક માટે મોહન ભાગવત રાજસ્થાન પહોંચી ગયા છે. બેઠકમાં આરએસએસના શતાબ્દિ વર્ષ કાર્યક્રમ પર પણ ચર્ચા થશે. સાલ ૨૦૨૫માં આરએસએસની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂરા થશે. રાજસ્થાનમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
વર્તમાનમાં જે માહોલ બંધાયો છે તેનો અધિકમાં અધિક ફાયદો કઈ રીતે ઉઠાવી શકાય તે વિશે પણ ચર્ચા થશે. આરએસએસે દેશને ૧૧ ક્ષેત્રમાં વિભાજીત કર્યો છે. તેમાં કુલ ૪૫ પ્રાંત આવે છે. દરેક પ્રાંતનો એક પ્રાંત પ્રચારક હોય છે. આરએસએસ નેતા ઇન્દ્રેશકુમારના નેતૃત્વમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ કનૈયાલાલને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર ઠેર સભાનું આયોજન કરી રહ્યું છે.
આ સંગઠનની સ્થાપના દેશમાં સૌહાર્દની સ્થિતિ બનાવવા માટે થાય છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ અન્ય મુસ્લિમ સંગઠનો સાથે ચર્ચા કરી દેશમાં કટ્ટરપંથ વિરૂદ્ધ ઝુંબેશ ચલાવવાની તૈયારી કરી રહ્યું છે.HS2KP