રાજસ્થાનમાં મંત્રીના પુત્ર પર મહિલા પત્રકારે બળાત્કારનો આરોપ લગાવ્યો

નવીદિલ્હી, રાજસ્થાનની અશોક ગેહલોત સરકારમાં પાણી વિભાગના મંત્રી મહેશ જાેશીના પુત્ર રોહિત જાેશી સામે મહિલા પત્રકારે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. આ મહિલા પત્રકારે રોહિત વિરુદ્ધ દિલ્હીના સદર બજાર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે, જેના પર દિલ્હી પોલીસે ઝીરો એફઆઈઆર નોંધીને રાજસ્થાન પોલીસને મોકલી છે.
મહેશ જાેશીની ગણતરી રાજસ્થાનના શક્તિશાળી મંત્રીઓમાં થાય છે, કારણ કે તેઓ રાજ્યના સીએમ અશોક ગેહલોતની ખૂબ નજીક છે. જાેશી સરકારના પ્રથમ મુખ્ય દંડક હતા અને થોડા મહિના પહેલા કેબિનેટ વિસ્તરણમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
મહેશ જાેશીનો પુત્ર રોહિત કોંગ્રેસમાં ઘણો સક્રિય છે અને તે પીસીસી સભ્ય પણ છે. આ સિવાય રોહિત તેના પિતા સાથે ઘણા પબ્લિક ફંક્શનમાં પણ જાેવા મળ્યો છે.
રોહિત સાથે સંબંધિત બળાત્કારનો આ કેસ હવે પોલીસમાં નોંધવામાં આવ્યો છે, પરંતુ થોડા મહિના પહેલા આ મહિલા પત્રકાર સાથેના તેના કથિત લગ્નની ચર્ચા સાંભળવા મળી હતી. રોહિત પહેલેથી જ પરિણીત છે અને તેને એક પુત્રી છે.
રોહિતના આ મહિલા પત્રકાર સાથેના લગ્નની ચર્ચામાં એવું પણ બહાર આવ્યું હતું કે તેણે બીજા લગ્ન માટે ધર્મ પણ બદલી નાખ્યો હતો. જાે કે, પછી આ વાતો માત્ર ચર્ચા જ રહી કારણ કે પછી કોઈ વિવાદ થયો ન હતો અને ન તો કોઈ પક્ષ પોલીસ સુધી પહોંચ્યો હતો.
પરંતુ હવે અચાનક આ મામલામાં નવો વળાંક આવ્યો છે. આ મહિલા પત્રકારે રોહિત પર સવાઈ માધોપુર લઈ જઈને તેના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય આ મહિલાએ રોહિત જાેશી પર તેના પરિવારને બરબાદ કરવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે.
પીડિતાના જણાવ્યા અનુસાર, તે ફેસબુક દ્વારા રોહિત જાેશીના સંપર્કમાં આવી હતી. તેણે આરોપ લગાવ્યો કે રોહિતે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તે પછી જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેણે બળજબરીથી ગર્ભપાત કરાવ્યો હતો.
આ સમગ્ર મામલે મંત્રી મહેશ જાેષી અને તેમના પુત્ર રોહિત જાેષીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે મંત્રી મહેશ જાેષી રાજસ્થાન બહાર ગયા હોવાની માહિતી મળી હતી. રોહિત જાેશી ક્યાં છે તે અંગે તેમના ઘરેથી કોઈ માહિતી આપવામાં આવી નથી.HS