રાજસ્થાનમાં 31મીની રાત્રે નાઇટ કર્ફ્યૂ, પહેલી જાન્યુઆરીની સવાર સુધી કર્ફ્યૂ રહેશે
જયપુર, ખ્રિસ્તી નવા વર્ષ નિમિત્તે 31 ડિસેંબરે રાત્રે જમા થતી ભીડને અટકાવવા અને કોરોના ફેલાતો રોકવા રાજસ્થાનની સરકારે 31 ડિસેંબરની રાત્રે આઠ વાગ્યાથી પહેલી જાન્યુઆરીના સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદ્યો હતો.
અત્યાર અગાઉ મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં રાજ્યો નાઇટ કર્ફ્યૂ લાદી ચૂક્યાં હતાં. રાજસ્થાન સરકારે એક લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાદવાની જાહેરાત કરી હતી. તમામ નગર નિગમો અને નગર પરિષદ ક્ષેત્રોને આ આદેશ લાગુ પડતો હતો.
રાજ્ય સરકારે જાહેર કર્યા મુજબ 31મીએ સાંજે સાત વાગ્યે તમામ બજારો બંધ થઇ જશે. રાજ્યમાં કોઇ પણ સ્થળે ફટાકડા વેચવા પર કે આતશબાજી કરવા પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. નવા વર્ષની પૂર્વસંધ્યાએ કોઇ પણ પ્રકારના સમારોહ યોજી શકાશે નહીં. કોઇ પણ સ્થળે ચારથી વધુ લોકો ભેગા થઇ શકશે નહીં.