રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે નડ્ડા-શાહ જયપુર જશે

નવીદિલ્હી, રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જાે કે, ભારતીય જનતા પાટીએ અત્યારથી જ તેની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મહિને રાજસ્થાનની મુલાકાતે જવાના છે. નડ્ડા શનિવારે જયપુર જશે. અમિત શાહનો કાર્યક્રમ હજુ નક્કી થયો નથી.
જેપી નડ્ડા વિધાનસભા ચૂંટણી પહેલા તૈયારીઓ તપાસવા માટે પાર્ટીના રાજસ્થાન યુનિટની કોર ટીમ સાથે બેઠક કરશે. તેઓ સવાઈ માધોપુરની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એપ્રિલના મધ્યમાં બે દિવસ માટે રાજસ્થાનની મુલાકાતે આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય મંત્રી ગુજરાતની સરહદે આવેલા બાંસવાડાની પણ મુલાકાત લઈ શકે છે.
જેપી નડ્ડા અને અમિત શાહ બંનેની મુલાકાત અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સામે છેલ્લી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ ચૂંટણી લડવા માટે પોતાને તૈયાર કરવા માટે રાજ્ય નેતૃત્વને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે.
તમને એ પણ જણાવી દઈએ કે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા વસુંધરા રાજે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી સહિત પાર્ટીના ટોચના નેતૃત્વને મળ્યા હતા.
૨૦૧૮ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૧૦૦ બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપને માત્ર ૭૩ બેઠકો મળી હતી. બહુજન સમાજ પાર્ટી છ બેઠકો જીતવામાં સફળ રહી હતી. ૨૦૦ સભ્યોની રાજસ્થાન વિધાનસભામાં બહુમતીનો આંકડો ૧૦૧ છે.HS